સુરત : વિશ્વના 7 લાખ સેમ્પલ જોડે મેચ કરતાં 99.99 ટકા મૂળ સુરતીઓ હોવાનું સામે આવ્યું

0
9

મેપ માય જિનોમની સીઇઓ અનુરાધા આચાર્યના જણાવ્યાનુસાર કોઇપણ વ્યકિતની લાગણીની પર તેની જેનેટિક સંરચનાનો પ્રભાવ 40 ટકા અને બાકી 60 ટકા તેના વાતાવરણ, ખાણીપીણી અને નજીકના લોકો પણ તેના પર અસર પાડે છે.સુરતીઓના સેમ્પલ વિશ્વના 7 લાખ સેમ્પલ જોડે મેચ કરતાં 99.99 ટકા સુરતીઓ મૂળ સુરતીઓ હોવાનું સામે આવ્યું છે. જેનેટિક રીતે લોકોમાં કેટલીક ખાસિયતો હોય છે. કેટલાક લોકો તેને વધુ દ્ઢ કરે છે જ્યારે કેટલાક તેમાં નિષ્ફળ જાય છે. સુરતનો ઇતિહાસ વેપાર સાથે જોડાયેલો છે. વેપારના કારણએ લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ, સદભાવના અને મદદરૂપ થવાની ભાવના જોવા મળે છે. આ તે ગુણ છે જે તમારા ગુણસુત્રમાં તો છે પરંતુ નજીકનું વાતાવરણ તેને મજબૂત અથવા નબળુ પાડે છે. વેપાર લોકોને વિનમ્ર, કર્તવ્યનિષ્ઠ, ધૈર્યવાન અને સ્થિર પ્રકૃતિનો બનાવે છે.

ટોકિયો મેટ્રોપોલિટન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુરો સાયન્સથી પોસ્ટ ડોક્ટોરેટ ફેલોશિપ કરવાવાળા ડૉ. કંચન મિશ્રાના જણાવ્યાનુંસાર કોઇપણ વ્યકિતની લાગણી, વિચાર તથા તેના મૂડને નિયંત્રિત કરવા પાછળ જે ગુણસુત્ર જવાબદાર હોય છે તેમાં બે એવા ગુણસુત્ર છે જે ખુશ રહેવા માટે જવાબદાર છે. જેમાં 5-એચટીટીએલપીઆર અ્ને એમએઓ છે. આ ગુણસુત્રની મદદથી સેરોટિનનો પ્રવાહ મગજમાં પ્રવાહિત થાય છે. જેનો સીધો પ્રભાવ વ્યકિતની મનોદશા પર થાય છે. આ ગુણસુત્રની બે અલગ પ્રકારની કાર્યપ્રણાલી છે. જેને (એલ) એટલે લાર્જ અને (એસ) એટલે સ્મોલમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તેની સંરચનાનો આધાર વ્યકિતની સંતુષ્ટિની ભાવનાના સ્તરથી 8 ટકાથી લઇને 35 ટકા સુધી હોય છે.

શરીરમાં પેદા થનારા અન્ય હોર્મોન ડોપામાઇન, ઓક્સિટોસિન, એન્ડોરફિન અને ન્યુરો ટ્રાંસમિટર શરીરમાં હાર્ટ રેટ, પાચન ‌વગેરેને નિયંત્રિત કરે છે. આ બધાં જ રસાયણ શરીરમાં એક મેસેન્જરની રીતે કાર્ય કરે છે. જે માણસની ખુશી, સંતોષ જેવી લાગણીની વૃ્દ્ધિમાં મદદરૂપ થાય છે. જોકે ખુશ રહેવાના તેમજ અન્ય વ્યવહાર સંબંધિત ગુણસુત્ર પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિમાં ખુશ રહેવાના હોર્મોન અને ગુણસુત્ર વધારે હોય છે તે અ્ન્ય લોકો કરતાં વધુ ખુશ રહે છે.આ સ્વાભાવિક છે કે સુરતીઓના ખુશ રહેવા પાછળનું એક કારણ હોય શકે.

આ રીતે કરાયો ડીએનએ ટેસ્ટ
સુરતના 3 અલગ અલગ ઉપનામ ધરાવતા લોકોના સેમ્પલ એકઠાં કરાયા હતા. જેમાં એક સેમ્પલ એવું હતું કે જેમની કેટલીય પેઢીઓ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહે છે, અન્ય બે સેમ્પલ એવા લીધા હતા કે જે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી સુરતમાં રહેવા આવ્યા હતા. આ ત્રણેય સેમ્પલના પરીક્ષણ એક્સપર્ટ પાસે કરાવવામાં આવ્યા હતા. જે સેમ્પલને વિશ્વના 7 લાખ જુદા જુદા જીનેટીક સંરચના સાથે મેચ કરાયા હતા. આ ઉપરાંત સુરતની ઐતિહાસિક બાબતો અંગે પણ અભ્યાસ કરાયો. ઈતિહાસકારો, જાણીતા ડોકટરો, વૈજ્ઞાનિકો અને ડીએનએ એક્સપર્ટની પણ મદદ લીધી હતી.

આ માટે કરાયો ડીએનએ ટેસ્ટ
કારણ એ છે કે, માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સુરતીઓ પોતાના મોજીલાપણાથી જાણીતા છે. કોઈ પણ પરિસ્થિતિ હોય પણ સુરતીઓ કયારેય નિરાશ કે હતાશ નથી થતા. ખાવા-પીવા, ફરવાના શોખીન હોવા છતાં ધંધાકીય દ્રષ્ટિએ સુરતીઓ કેમ અલગ છે. કયું કારણ કે છે જેના કારણે સુરતીઓ કયારેય હાર માનતા નથી? આ બાબત જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

પરિવાર : વિવિધ ગામોથી શહેર બન્યુ, શહેરની દસ ટકા વસ્તી આજે પણ સંયુક્ત કુંટુંબમાં રહે
સુરત એ એવુ શહેર છે જે 20થી વધુ ગામોમાંથી બન્યું અને એટલે જ અહીં પરિવારની ભાવના આજે પણ દરેક સુરતીમાં જોવા મળે છે. હજુ પણ શહેરમાં દસ ટકા પરિવાર સંયુકત કુટુંબમાં જ રહેવાનુ પસંદ કરે છે. પણ પરિવારમાં ધંધા વહેંચાયા કે બદલાયા હોય તેવી પરિસ્થિતિમાં કુટુંબો વિભાજીત થયા પણ આવા પરિવારો પણ શનિ અને રવિવારે તો એક સાથે જ ભેગા થાય છે. મૂળ સુરતી ગણાતા મોઢ વણિક ઘાંચી સમાજ, ખત્રી, જૈન અને મુસ્લિમ સમાજ આજે પણ સંયુકત કુટુંબોમાં રહે છે. ભવિષ્યની સ્થિતિ અંગે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા કહે છે કે, હીરા બુર્સ શરૂ થયા પછી પોતાના પરિવારથી દૂર મુંબઈ જઈને રહેલા 2000 થી 2200 લોકો સુરત પાછા ફરશે. આ બાબત જ સુરતીઓમાં પરિવારપ્રેમ બતાવે છે.

પ્રેમ: હળીમળીને રહેવાના સ્વભાવથી વસ્તી વધી અને મૂળ સુરતી 7% થઇ ગયા
સુરત મિની ઈન્ડિયા તરીકેની ઓળખ ધરાવે છે. અહીં 21 રાજયોના લોકો રહે છે. 64 ટકા વસતિ માઈગ્રન્ટ છે. મુળ સુરતીઓ 5થી 7 ટકા જ છે. સુરતમાં તમીલનાડુના 4.92 ટકા, મહારાષ્ટ્રના 2.7 ટકા, હરિયાણાના 2.01 ટકા, કર્ણાટકમાંથઈ 1.68 ટકા વસવાટ કરે છે. સુરતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, ઉડ્ડીસા, કાશમીર, મધ્યપ્રદેશન, બિહાર, યુપી સહિતના તમામ રાજ્યોના લોકો વસે છે. સુરતમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચયન, શીખ, બુધિસ્ટ જૈન સહિતના સમાજ ધર્મના લોકો વસે છે. શહીદ પરિવારો માટે સહાયમાં પણ સુરતીઓ અવ્વલ છે અને એ માત્ર શહીદ પ્રેમના કારણે 348 શહીદોને 5.21 કરોડની સહાય કરી છે. લોકડાઉનમાં પણ 250 સંસ્થાઓએ લાખો લોકોની સેવા કરી હતી.

પૈસો: સુરતની પરિવાર દીઠ વાર્ષિક આવક 10.80 લાખ, વર્ષે 27 હજાર કરોડનો ટેક્સ ભરે છે
ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના સરવે મુજબ સુરતની પર્સનલ હાઉસહોલ્ડ ઇન્કમ જે 2008માં 4.57 લાખ હતી જે વધીને 10.80 લાખ થઈ છે. ખાણી-પીણી માટે જાણીતા શહેરમાં વેટ કાયદા હેઠળ રૂપિયા 75 કરોડ જેટલો ટેક્સ આવતો હતો, જેમાં ખાણી-પીણીની કેટલીક લારીઓ પણ સામેલ હતી. 5 ટકાના ટેકસ પ્રમાણે સુરતમાં 1500 કરોડનું ટર્નઓવર થતું હતુ. જ્યારે નહીં નોંધાયેલી લારીઓ પરનું ટર્નઓવર 500 કરોડનું આંકવામાં આવે છે. 2200 લોકો એક કરોડથી વધુનું રિટર્ન ભરે છે. સુરતીઓ ઇન્કમટેક્સ, જીએસટી, કસ્ટમ ડયૂટી રૂપે કુલ 27 હજાર કરોડનો ટેક્સ ભરે છે, જેમાં ઇન્કમટેક્સ પેટે 11 હજાર કરોડ, જીએસટી પેટે 10 હજાર અને કસ્ટમ ડયૂટી પેટે રૂપિયા છ હજાર કરોડ ભરાય છે.

પ્રતિષ્ઠા : પ્લેગમાં પંકાયેલું સુરત શહેર આજે દેશભરમાં સ્વચ્છતામાં નંબર-2 પર છે
સુરતીઓનો ઈતિહાસ છે કે પ્રતિષ્ઠા માટે કંઈ પણ કરી શકે. સુરતના બંદરે જયારે 84 દેશના વાવટા ફરકતાં હતા ત્યારથી જ આ શહેરે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. એક સમયે પ્લેગમાં પંકાયેલા સુરતીઓને બીજા શહેરમાં પણ પ્રવેશ મેળવવો મુશ્કેલ હતો આ છાપમાંથી સુરતને બહાર લાવવા માટે સુરતીઓ જ મેદાનમાં ઉતર્યા હતા અને આજે સુરત સ્વચ્છતામાં દેશના બીજા નંબરે છે. પ્લેગ, પુર સહિતની તમામ મહામારીમાં સુરત તબાહ થયુ હતુ પરંતુ સુરતીઓની તાકાત અને જુસ્સાએ ફરીથી તેને બેઠું કર્યું. યુનેસ્કોએ પણ સુરતને આ માટે રિજીલિયન્સ શહેરનો એવોર્ડ જાહેર કર્યો હતો. નરેન્દ્ર મોદી રાજયના સીએમ હતા ત્યારે 5 મિનિટમાં જ 500 બેડની હોસ્પિટલ તૈયાર કરવાનો પ્લાન મુકી દીધો હતો.

પાવર: દેશના GDPમાં સુરતનો હિસ્સો 11.5%, વિશ્વમાં બનતા 15માંથી 14 હીરા અહીં બને છે
વિશ્વમાં 15 હીરાનું પોલિશિંગ થાય છે તેમાંથી 14 હીરા તો સુરતના કારીગરો દ્વારા પોલિશ્ડ કરવામાં આવ્યા હોય છે. સુરત શહેર દરરોજ સાડા ત્રણ કરોડ મીટર કપડું બનાવે છે. ભારતમાં જેટલું કપડું બને છે તેમાંથી 40 ટકા કાપડ સુરત એકલું બનાવે છે. સુરતમાં છેલ્લાં બે વર્ષમાં 1600 આઈટી કંપનીઓની સ્થાપના થઈ છે. સુરતનો ભારતના જીડીપીમાં 11.5 ટકા હિસ્સો છે. દર વર્ષે સુરતમાંથી 1.45 લાખ કરોડ રૂપિયાના તૈયાર હીરા બને છે. સુરતમાં કાપડ ટેક્સટાઈલ સહિત, પ્લાસ્ટિક, કાચમાંથી પણ વિવિધ વસ્તુઓ તૈયાર કરાય છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે 150 જેટલી કેમિકલ કંપનીઓ છે જે અલગ અલગ રાજ્યો અને વિદેશમાં વિવિધ પ્રકારના કેમિકલ બનાવીને એક્સપોર્ટ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here