સુરતઃરાંદેર વિસ્તારમાં લિવ ઈન રિલેશનશીપમાં રહેતા પ્રેમી પંખીડાએ પોલીસ સ્ટેશનમાં ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બન્ને પ્રેમી પંખીડાને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યાં હાલ બન્નેની સારવાર ચાલી રહી છે.
ઝઘડો બન્યો ઉગ્ર
મળતી વિગતો અનુસાર રાંદેર પોલીસ સ્ટેશનમાં લિવ ઈન રિલેશનશીપમાં રહેતા પ્રેમી પંખીડા બન્ને વચ્ચે ચાલતા ઝઘડાને લઈને ફરિયાદ આપવા માટે આવ્યા હતાં. અરજી આપે તે અગાઉ જ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પ્રેમિકાએ ફિનાઈલ પી લીધું હતું અને પ્રેમીએ દવાના ટીકડા ખાઈ પાણી પી લેતા બન્નેની હાલત ખરાબ થવા લાગી હતી. જેથી પોલીસે 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી લીધી હતી. બાદમાં બન્નેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં.
યુવક સફાઈનો કોન્ટ્રાક્ટ કર્મી
યુવક પાલનપુર જકાતનાકા ખાતે આવેલા ગેલેક્સિ એપાર્ટમેન્ટમાં રહે છે. પોતે પરણીત છે અને બે દીકરીનો પિતા છે. મહાનગરપાલિકાના સફાઈનો કોન્ટ્રાક્ટનો કર્મચારી છે.તે ત્રણ વર્ષથી યુવતી સાથે રિલેશનમાં હતો. યુવકની સાસુને આ અંગે જાણ થઈ ગઈ હતી. તેણે યુવતીના અન્ય સાથેના સંબંધોની જાણ થઈ હતી જે યુવકને કરી હતી. આથી લિવ ઈનમાં રહેતી પ્રેમીકાએ યુવકને કહ્યું કે જો તું મને છોડીશ તો રાંદેર પોલીસ સ્ટેશન જાઉ છું તારા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવવા.આથી ગભરાયેલા યુવકે શું જોઈએ એમ પુછતાં યુવતીએ 10 લાખની માંગ કરી હતી.અને રૂપિયા ન આપે તો પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવ્યુંહોવાનું યુવકે ઉમેર્યું હતું.
પોલીસ સ્ટેશનમાં બન્ને ગયા હતા
સવારે યુવકે યુવતિને ફોન કર્યો હતો. ત્યારબાદ યુવક પોલીસ સ્ટેશનમાં ગયો હતો. ત્યાં યુવતીને જોઈને તણાવમાં આવી ગયો હતો. બાદમાં પોલીસને તમામ હકીકત જણાવી હતી. આ દરમિયાન બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં પોલીસે સમજાવવાની કોશિષ કરી તેમ છતાં યુવતીએ ફિનાઈલ અને યુવકે ઝેરી ટીકડા ગળી લેતા સારવાર માટે સિવિલ ખસેડાયા હતાં.