સુરત : ઇચ્છાપોરમાં 4 માસમાં નવુ ઓક્શન હાઉસ તૈયાર થશે, રફ-પોલીશ્ડ ને જ્વેલરીની હરાજી કરી શકાશે

0
9
  • ઓક્શન હાઉસ અને કોમન ફેસિલીટી સેન્ટર બાદ હીરા ઉદ્યોગને વેગ મળશે

જીજેઈપીસી દ્વારા ઈચ્છાપોર ખાતે ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરમાં ઓક્શન હાઉસ તૈયાર કરાશે. જે માટે જીજેઈપીસી દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી દેવામાં આવી છે. જીજેઈપીસીના ચેરમેન કોલીન શાહે સુરતની મુલાકાત લીધી હતી ત્યારે પત્રકારોને સંબોધન કરતાં તેમણે આ વાત કહી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ઓક્શન હાઉસ 4થી 5 મહિનામાં તૈયાર થઈ જશે. હાઉસ શરૂ થયા બાદ દેશ-વિદેશની ખાણ કંપનીઓ સહિત સુરત-મુંબઈના હીરાઉદ્યોગકારો પોતાના હીરા અને ઝવેરાતની હરાજી અને ટ્રેડિંગ કરી શકશે.

હીરા-ઝવેરાતના વેપારને સરળ બનાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ખાણ કંપની અને હીરા-ઝવેરાત ઉદ્યોગકારો અહીં જ માલ વેચી શકે તે માટે ઓક્શન હાઉસ તૈયાર થઈ રહ્યું છે તે જ પ્રમાણે નાના કારખાનેદારો માટે મેગા કોમન ફેસિલીટી સેન્ટર પણ શરૂ કરવાની તૈયારીઓ કરી દેવાઈ છે. 800 ડોલર સુધીના ઝવેરાત દેશ-વિદેશમાં કુરિયરથી એક્સપોર્ટ કરી શકાશે. કેન્દ્ર તરફથી ઈ-કોમર્સમાં મંજૂરી મળ્યા બાદ હીરા-ઝવેરાત ઉદ્યોગકારો સરળતાથી દેશ – વિદેશમાં 800 ડોલર સુધીના હીરા-ઝવેરાતનું વેચાણ કરી શકશે. ભવિષ્ય ઈ-કોમર્સનું છે.

આ ક્ષેત્રની તકોને ઝડપી લેવા પ્રયાસ ચાલુ છે. કોમર્સ મિનીસ્ટ્રી આ અંગે માર્ગદર્શિકા બનાવશે, ત્યાર બાદ ઈ-કોમર્સનો લાભ પ્રત્યેક હીરા-ઝવેરાત ઉદ્યોગકાર લઈ શકશે. હીરા ઉદ્યોગ માટે સરકાર દ્વારા ઈમરજન્સી ક્રેડીટ ગેરન્ટીની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકોના કુલ રોકાણના 20 ટકા રકમની મદદ મળશે. આ ઉપરાંત કાપડ ઉદ્યોગના પ્રોત્સાહન માટે ચાલતી ટફ યોજનાનો લાભ હીરા ઉદ્યોગકારોને આપવા પણ સરકાર સાથે વાત ચાલે છે. તેનો લાભ મળશે તો મશીનરી ખરીદીમાં સબસીડીનો લાભ મેળવી શકશે.

વધુમાં 2.50 ટકાના કૃષિ સેસ દૂર થઈ છે. આ સેસને હટાવી લેવાયો છે. જીજેઈપીસીના ગુજરાત રિજનલના ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું કે, ઓક્શન હાઉસ અને કોમન ફેસિલીટી સેન્ટર બાદ સુરતના હીરા ઉદ્યોગને વેગ મળશે. જીજેઈપીસીના ડેપ્યુટી ડિરેક્ટર જલ્પા શેઠે કહ્યું કે, કોમન ફેસિલિટી સેન્ટર નાના કારખાનેદારોને એડવાન્સ ટેક્નોલોજી, થ્રીડી પ્રિન્ટીંગ, ડેટા લાઈબ્રેરી જેવી સુવિધાઓ પુરી પાડશે.

આજથી ત્રણ દિવસ સ્પાર્કલ એક્ઝિબીશન
ચેમ્બર દ્વારા 20થી 22 ફેબ્રુઆરી સુધી સ્પાર્કલ એક્ઝિબીશનનું આયોજન કરાયું છે. જેમાં 100થી વધારે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ એક જ પ્લેટફોર્મ પર એકત્રિત થશે. આ એક્ઝિબીશન બીટુબી હશે. ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, 10:30 વાગ્યે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાશે. આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહના વરદ હસ્તે કરાશે. કુલ 150થી વધુ એક્ઝિબીટર્સ દ્વારા લુઝ ડાયમંડ, ડાયમંડ જ્વેલરી, મશીનરી, સિન્થેટીક ડાયમંડનું પ્રદર્શન કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here