સુરત – પોલીસની હેરાનગતિના કારણે સુરત સ્મીમેર હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર

0
22
dainikbhaskar.com

 

આજે વહેલી સવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી પરિચારિકાઓ અને બ્રધર્સે ઇમરજન્સી વોર્ડ પાસે એકઠાં થઇને કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રકારનો નિર્ણય કરવાનું મુખ્ય કારણ પોલીસ હોવાનું જાણવા મળ્યું છે. વરાછા પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે એક બ્રધરને PCR વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. જ્યારે સવારે આ વાતની જાણ સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય પરિચારિકાઓ અને બ્રધર્સ સ્ટાફને થઈ ત્યારે તેમણે આ બાબતે રોષ વ્યક્ત કરીને કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો.

એક રીપોર્ટ અનુસાર, ગઈકાલે રાત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલની દીકરીની તબિયત અચાનક ખરાબ થઇ જતા, તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. ત્યારે રાત્રિ દરમિયાન ફરજ બજાવતા બ્રધર જીગ્નેશ કોસંબિયાને પોલીસ કોન્સ્ટેબલ સાથે કોઈ વાતને લઇ બોલાચાલી થઈ હતી. જેના કારણે સમગ્ર મામલે કોન્સ્ટેબલે વરાછા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

જેથી વરાછા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા અને જીગ્નેશ કોસંબિયાને PCRમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. જોકે, આ બાબતે જ્યારે હોસ્પિટલમાં RMOને જાણ થઈ ત્યારે તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. RMOએ પોલીસ કોન્સ્ટેબલ અને જીગ્નેશ કોસંબિયા વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જેના કારણે જીગ્નેશ કોસંબિયાને છોડી દેવામાં આવ્યો હતો.

જીગ્નેશ કોસંબિયાને ચાલુ નોકરીએ પોલીસ સ્ટેશન લઇ જવાની જાણ સવારે હોસ્પિટલમાં ફરજ બજાવતા પરિચારિકાઓ અને બ્રધર્સ સ્ટાફને થતા તેઓ એકઠાં થતા હતા અને પોલીસકર્મીના આ પ્રકારના વર્તન સામે રોષ વ્યક્ત કરી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here