સુરતઃ ચારધામની યાત્રા દરમિયાન ઉત્તરાખંડ ઋષિકેશમાં ગંગા નદીના વહેણમાં ડૂબી ગયેલા ત્રણ મિત્રો પૈકી ફેનિલ ઠક્કર બાદ કૃણાલ કોસાડીનો મૃતદેહ આજે સાત દિવસે મળી આવ્યો છે. જ્યારે હજુ એક યુવક જેનિસ પટેલની શોધખોળ કરવામાં આવી રહી છે.
ઘટના શું હતી?
વાડી ફળિયાના 15 જેટલા યુવકો ગઈ 18 તારીખે ચારધામની યાત્રાએ ગયા હતા. શુક્રવારે આ યુવકો ઋષિકેશ પહોંચ્યા હતા. જ્યાં રિવર રાફ્ટીંગ કર્યા બાદ ફેનિલ ઠક્કર, કૃણાલ કોસાડી અને જેનિસ પટેલ ગંગા નદીના કીનારા પાસે ઉભા હતા. ત્યારે અચાનક ભેખડ ધસી પડતા ત્રણેય ગંગાના વહેણમાં તણાઇ ગયા હતા. શોધખોળ દરમિયાન ફેનિલ ઠક્કરનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કૃણાલ અને જેનિસનો કોઈ પત્તો લાગ્યો ન હતો. એનડીઆરએફની ટીમ દ્વારા ગંગાના વહેણમાં તણાઇ જતા ગુમ થયેલા કૃણાલ અને જેનિસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બન્નેના પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા કલેક્ટરને રજૂઆત કરી શોધખોળ માટે એનડીઆરએફની વધુ ટીમો કામે લગાડવા અને હેલિકોપ્ટરની મદદથી શોધખોળ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ડ્રોન અને બોટ પર કેમેરા લગાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસ અને એનડીઆરએફની ટીમને કૃણાલનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળની બહુ દૂર મૃતદેહ મળ્યો હતો. પોલીસ અને એનડીઆરએફની ટીમને મળી આવેલા મૃતદેહ પર ટીશર્ટ અને તેની પરના લખાણને કારણે કૃણાલ હોવાની ઓળખ થઈ હતી.
પહેલાં દિવસે ફેનિલનો મૃતદેહ મળ્યો હતો
30 જૂનના રોજ ફેનિલ ઠક્કરનો મૃતદેહ સુરત લઈ આવવામાં આવ્યો હતા. ફેનિલનો મૃતદેહ ઘરે પહોંચતા વાડી ફડિયા વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. અને બીજા દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વાડી ફળીયાથી ફેનિલની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. અને પરિવાર સહિત તમામ લોકોના આંખોમાં આસું આવી ગયા હતા. અને અશ્વીનીકુમાર સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.