સુરતઃકાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં રિલાયન્સ પેટ્રોલ પંપની સામેની ડિવાઇડર તોડી પડાતાં સ્થાનીક તબીબે તેની સામે વાંધો લીધો હતો. સાથે જ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા અટકાવી આ અંગેની ફરિયાદ પાલિકા કમિશનરને કરી હતી.
પંપવાળાએ રસ્તો કર્યો
વરાછાના ડો. સુરેશ સાવજએ જણાવ્યું હતું કે, કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીકના રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ફલાય ઓવરબ્રિજની નીચે ભંગાર વાહનો પડ્યા છે. આ પરિસરની ફરતે પાલિકાએ અંદર કોઇ વાહન ન પ્રવેશે તે માટે ડિવાઇડર જેવી આડશ બનાવી છે. જોકે નજીકના પંપના કર્મીઓએ આ ડિવાઇડરને તોડી પાડી હતી. તેમણે ઉમેર્યું કે આ અંગે પુછતાં પંપ ઉપર લોડિંગ અન લોડિંગ માટે આવતાં ટેન્કર મુકવા માટે આ રસ્તો કર્યો હોવાનું કર્મીઓ કહ્યું હતું.
સરકારી મિલકતને નુકસાન
સરકારી મિલકત તોડવાની પરવાનગી અંગે કોઇ સંતોષકારક જવાબ ન મળતાં સુરેશ સાવજે આ અંગેની ફરિયાદ પાલિકા કમિશનરને કરી હતી. બનાવ મામલે વરાછા ઝોનના જી. એસ. રાણાએ સ્થળ તપાસ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડિવાઇડર તોડવા કોઇ પરવાનગી અપાઇ ન હતી. સરકારી મિલકતના નુકસાન બદલ પંપના માલિક સામે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવા ફરિયાદ કરવામાં આવી છે