સુરત : અધિકારીઓ પાસેથી ખર્ચની સત્તા છીનવી લેતાં સામાન્ય કામોમાં પડી તકલીફ

0
0

મહાપાલિકામાં ટેન્ડર મંગાવ્યા વગર પણ 15 લાખ રૂપિયા સુધીના વિકાસ કામોના બિલ મંજૂર કરવાની અધિકારીઓની સત્તા શાસકોએ આંચકી લેતાં હવે તેની વિપરિત અસર નાના મોટા કામો પર પડી રહી છે. હદ તો ત્યાં થઈ છે કે, ચા-પાણી, ઝેરોક્સ, પંક્ચર જેવા તદ્દન પરચુરણ બિલો પણ કમિશનર પાસે મંજૂરીમાં જઈ રહ્યાં છે, જેને કારણે આવા સર્વોચ્ચ પદનો કીમતી સમય વેડફાઇ રહ્યો છે.

શાસકો અને અધિકારીઓની હુંસાતુસી વચ્ચે શહેરના મહત્ત્વના અને અત્યંત તાકીદે થવા જેવા કામો ખોરંભે ચઢવા માંડ્યા છે. ભાટપોરની પાણીની ટાંકીની મોટર ખોટકાતાં માંડ 5 હજાર રૂપિયાના ખર્ચના બિલની ફાઇલ પણ મંજૂરીમાં હોવાથી લોકો છેલ્લા 10 દિવસથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગત 6 મેના રોજ શાસકોએ ઠરાવ મંજૂર કરી આ બદલાવ કર્યો હતો. બીજી તરફ અમદાવાદમાં ઝોનના ડે. કમિશનરને 5 લાખ સુધીની સત્તા છે.

વરાછામાં સોસાયટીનું પાણી જોડાણ અટવાયું
ગઇ 6 મેના રોજ પાલિકાની સર્વોચ્ચ સ્થાયી સમિતિએ અગાઉના વિવિધ ઠરાવો રદ કરી કાર્યપાલક ઇજનેર તથા ડિવિઝનલ હેડના 15 લાખ રૂપિયા સુધીના બિલ મંજૂરીના અધિકાર રદ્દ કરતો ઠરાવ મંજૂર કર્યો હતો. તે પછી તમામ અધિકારીઓએ પણ ફાઇલ ઉપર સહી કરવાનું બંધ કરી દીધું છે. જોકે આ અંગે વિવિધ જવાબદાર અધિકારીઓને હજુ પણ સત્તાવાર જાણ કરાઇ નથી. વરાછાની એક સોસાયટીના 6 મકાનોને પાણી લાઇન આપવાનું કામ અટવાઈ ગયું છે. બિલ મંજૂરીમાં હોવાથી આ 6 પરિવારો દૂર દૂરથી પાણી ભરવા મજબૂર બન્યા છે.

મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો
બિલ મંજૂરીની સત્તા છીનવાતાં વિકાસકામો મંદ પડવા ઉપરાંત લોકો તેમજ પાલિકાના અધિકારીઓનો કીમતી સમય વેડફાઇ રહ્યો છે. વળી, કમિશનર સમક્ષ સ્ટેશનરી જેવા બિલ પણ મંજૂરીમાં આવી રહ્યાં હોવાથી તેમનો અહમ પણ ઘવાયો છે. પાલિકાના સૂત્રોએ કહ્યું કે, ઉચ્ચ અધિકારીઓના એક સંગઠને પાલિકા કમિશનર સમક્ષ આ અંગે હૈયાવરાળ ઠાલવી સ્પષ્ટ કહી દીધું છે કે, હવે કોઈપણ એવોર્ડની અપેક્ષા રાખશો નહીં. ઉચ્ચ અધિકારીએ આ વાત મુખ્યમંત્રીના કાન સુધી પહોંચાડી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ભાટપોરમાં મોટર રિપેરનું બિલ ટલ્લે, લોકો 10 દિવસથી તરસ્યા
ભાટપોરના માજી સરપંચ નરેશ પટેલે કહ્યું કે, છેલ્લા ૧૦ દિવથી ટાંકીની મોટર બગડી જતાં પાણી પુરવઠો બંધ થઈ ગયો છે. આ અંગે ફરિયાદો કરવા છતાં રિપેર માટેના ૫ હજારના ખર્ચની ફાઇલ કમિશનર પાસે મંજૂરીમાં ટલ્લે ચઢી છે. આ અંગે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર વસાવાએ કહ્યું કે, ગામને રોજ ટેન્કર મારફત પાણી અપાઈ રહ્યું છે.

કોવિડ કેસના મૃતદેહો ઉપાડતી સંસ્થાનું બિલ પણ અટવાયું
પાલિકામાં તાકીદના ધોરણે થતી કામગીરી પણ ઘોંચમાં પડી રહી છે. કોરોનામાં મોતને ભેંટતા લોકોના અંતિમ નિકાલની જવાબદારી માટે નિયુક્ત સંસ્થાને બિલ ચુકતે કરાયું નથી. બિલ મંજૂરીની રાહ જોવામાં લાશ ઉપાડવાની કામગીરી બાધિત થઇ છે. અધિકારીએ કહ્યું કે, જૂના બિલના નાણાં મળ્યા ન હોવાથી સંસ્થાએ હવે નવી લાશો નહીં ઉઠાવાય એવી ચીમકી આપી છે.

ઝેરોક્સ મશીન રિપેરિંગના નજીવા બિલ ખોરંભે ચઢ્યાં
સાવ નજીવા ખર્ચાઓ પણ પાલિકા કમિશનરની મંજૂરીના સહારે હોવાથી ઝોન સ્તરની કામગીરી ખુબજ પ્રભાવિત થઈ રહી છે. સામાન્ય ઝેરોક્ષ મશીનની મરામત જેવા બિલ પણ મંજૂરીમાં હોવાનું કહી કર્મચારીઓ મુલાકાત લેનારા લોકોને ખાનગી દુકાનોનો રસ્તો દેખાડવામાં આવી રહ્યો છે. આ દ્રશ્ય સેન્ટ્રલ ઝોનના આરટીઆઇ વિભાગમાં જોવા મળ્યું હતું.

ટપાલ-નોટિસ માટેનાં વાહનોનું પંક્ચર કરાવવાના પણ ફાંફાં
કતારગામ ઝોનમાં કયા કયા કામ મંજૂરીમાં અટવાઇ રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરતાં ચોંકાવનારી બાબત સામે આવી હતી. એક અધિકારીએ કહ્યું કે, ઝોનના સરકારી વાહનને પંક્ચર બનાવવાના બિલની પણ મંજૂરીની રાહ જોવાઇ રહી છે. ટપાલ તથા નોટિસ આપવા માટે રખાયેલાં વાહનોમાં પંક્ચર છે. અમે, ઘણા લોકોને ચ્હા-પાણી પણ સ્વખર્ચે કરાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here