સુરતઃ સાધિકા દુષ્કર્મ કેસમાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાંઈએ જેલના કપડાંને બદલે ધોતી-કુર્તા પહેરવા દેવાની છૂટ માટે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી હાથ ધરાઈ હતી. અને કોર્ટમાં આગામી સુનાવણી 26મીના રોજ હાથ ધરાશે.
જેલના કપડાથી શરીરમાં ખંજવાળ અને ફોડલી નીકળે છે
સુરતના જહાંગીરપુરા પોલીસમાં નોંધાયેલા સાધિકા દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. નારાયણ સાંઈએ કરેલી અરજી મુજબ, હાલમાં સાધિકા દુષ્કર્મ કેસમાં આજીવનકેદની સજાના પાકા કામના કેદી તરીકે લાજપોર જેલમાં છે. અને પાકા કામના કેદી તરીકે નારાયણ સાંઈને કોટનના કપડાં પહેરવા માટે આપવામાં આવે છે. કોટનના કપડાથી ચામડીની એલર્જી થતી હોવાથી નારાયણ સાંઈના શરીરમાં ખંજવાળ અને ફોડલી નીકળી આવે છે. જેથી નારાયણ સાંઈએ જેલના કોટનના કપડાને બદલે સાધુ સંતનો પોષાક તરીકે ધોતી-કુર્તા પહેરવાની છુટ આપવા અરજી કરી હતી.
કપડાં દેશના વાતાવરણ માટે યોગ્યઃ સરકારપક્ષ
નારાયણ સાંઈની અરજીના વિરોધમાં સરકારપક્ષે ખાસ સરકારી વકીલ પી.એન.પરમારે જેલ મેન્યુઅલ અને કાનુની જોગવાઈનો હવાલો આપીને જણાવ્યું હતું કે, કોટનના કપડાં દેશના વાતાવરણ માટે યોગ્ય છે. જેથી નારાયણ સાંઈએ કરેલી માંગને રદ કરવા સરકારપક્ષે રજૂઆત કરી હતી. જેથી કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો બાદ 26મી જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.