સુરતઃ મોરા ભાગળ વિસ્તારમાં એક શ્રમજીવીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે. હાલ તો પોલીસ દ્વારા હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે.
પતિ-પત્ની વચ્ચે રોજ ઝઘડા થતા હતા
મળતી માહિતી પ્રમાણે, મોરા ભાગળ વિસ્તારમાં ફૂટપાથ પર ગંગારામ ફુલસિંગ વસાવા (ઉ.વ.35) પત્ની સાથે રહેતો હતો. અને મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. પતિ-પત્ની વચ્ચે રોજ ઝઘડાઓ થતા હતા. જેમાં બંને એક બીજાને માર મારતા હોય તેવું સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું. આજે ગંગારામ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ તો મોતનું કારણ અકબંધ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. જોકે, હત્યાની આશંકાને લઈને પોલીસ ગંગારામની પત્નીની પૂછપરછ કરી રહી છે.