સુરત : પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ખોળે જન્મેલું બાળક પોતાનું હોવાનું માની અપહરણ કર્યું

0
22

સુરત : સમાજમાં લગ્નેત્તર સંબંધો ક્યારેક ગંભીર ગુનાખોરી તરફ ફંટાતા હોય છે. નવસારીમાં એક પ્રેમીએ પરિણીતા સાથેના આડાસંબંધ થકી જન્મેલું 6 વર્ષીય બાળક પોતાનું હોવાનું દાવા સાથે તેનું અપહરણ કરી પોતાના વતન ભાગવાની ફીરાકમાં હતો. નવસારી પોલીસે આ ઘટનાને નિષ્ફળ બનાવતા બાળકને હેમખેમ છોડાવ્યું હતું.

સમાજમાં ક્યારેક ભૂતકાળના આડાસંબંધનો અંજામ અતિ જોખમી આવતો હોય છે. નવસારીના વિજલપોરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના દિનેશ કનોજિયાની પત્નીનો ભૂતકાળનો પ્રેમી અચ્છેલાલ યાદવે પોલીસ સમક્ષ દાવો કર્યો છે કે દિનેશ કનોજિયાની પત્નીનું બાળક તેનું છે. આ કારણે તે અવારનવાર બાળકને મળવા સચિનથી નવસારી આવતો હતો. ગઈકાલે અચ્છેલાલ યાદવ 6 વર્ષીય બાળકને રમાડવાના બહાને બાઇક પર બેસાડી નવસારીથી સચિન ખાતે અપહરણ કરીને લઈ ગયો હતો. જે બાદમાં તે મુંબઈ થઈને યુપી પોતાના વતન જોનપુર ભાગવાની ફિરાકમાં હતો. આ મામલે દિનેશ કનોજીયાએ પોલીસને અપહરણની ફરિયાદ આપતા નવસારી એલ.સી.બીએ અપહરણકાર અચ્છેલાલનું લોકેશન મેળવી 24 કલાકની જહેમત બાદ મુંબઈથી બાળકને છોડાવી લીધો હતો. નવસારીના વિજલપોર વિસ્તારના શનેશ્વર નગરમાં રહેતા દિનેશ કનોજિયાએ ગઈકાલે પોતાના બાળક ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આગવી સ્ટાઈલમાં કડક પૂછપરછ કરતા ફરિયાદીની પત્ની ભાંગી પડી હતી અને તેના ભૂતકાળના પ્રેમસંબંધના પ્રકરણનો ઉલ્લેખ કર્યો હતો. જેથી પોલીસ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના અને સુરત પાસેના સચિનમાં રહેતા અચ્છેલાલ યાદવ વિષે વિગત મેળવીને તપાસમાં જોતરાઈ હતી.

પોલીસે સર્વેલન્સના આધારે અચ્છેલાલનું લોકેશન મેળવીને સફળતાપૂર્વક તેને બાળક સાથે મુંબઈથી દબોચી લીધો હતો. અચ્છેલાલનો પરિવાર યુપીમાં રહે છે. અચ્છેલાલને ચાર દીકરીઓ છે. તેને કોઈ દીકરો ન હોવાથી પોતાનો વંશવેલો આગળ વધારવા માટે નવસારી રહેતી પરિણીતાને ત્યાં જન્મેલું બાળક પોતાનું હોવાનું દાવો કરી તેનું અપહરણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here