સુરતઃ સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન એવા ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના રેઈન ગેજ સ્ટેશન વિસ્તારોમાં છેલ્લા બેત્રણ દિવસમાં વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. અને આ કારણે ઉપરવાસમાં આવેલ હથનુર ડેમમાંથી 27000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જોકે, ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના અન્ય કેટલાક બેરેજ ડેમ ભરાયા બાદ હથનુરમાંથી છોડાયેલા પાણીની આવક ઉકાઈ ડેમમાં આવવાની શરૂઆત થઈ છે. હાલ નિઝર,ઉચ્છલ અને જંગલ વિસ્તાર એવા સાગબારા તાલુકામાં પડેલા વરસાદના પાણીના કારણે ઉકાઈ ડેમમાં આ વર્ષે પ્રથમ વખત ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. આજે ઉકાઈ ડેમની સપાટી 276.15 ફુટ અને ઇનફ્લો 4229 ક્યુસેક તથા આઉટફ્લો 600 ક્યુસેક રહ્યો છે.
ઉકાઈ ડેમની કુલ સપાટી 345 ફૂટ
ગુજરાત રાજ્યનો અગત્યનો અને બહુહેતુક ગણાતા ઉકાઈ ડેમમાં થતા પાણીની આવકજાવક પર સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોની નજર રહે છે. ડેમમાં સામાન્ય રીતે જૂન માસના બીજા સપ્તાહથી પાણીની આવક શરૂ થઇ જતી હોય છે. જોકે ચાલુ વર્ષે જૂન માસમાં ડેમમાં પાણીની આવક શૂન્ય નોંધાયા બાદ છેક 6 જુલાઈએ સવારે 4229 ક્યુસેક પાણીનો આવરો શરૂ થયો છે. અને ડેમની સપાટીમાં પણ વધારો થવાની શરૂઆત થઇ છે. ગુરુવારે રાત્રીના સમયે ડેમની સપાટી 275.68 થયા બાદ શુક્રવારે સવારે સપાટીમાં વધારો થઇ 275.78 જ્યારે બપોરે 4 કલાકે સપાટી 275.90 ફુટ પર પહોંચી હતી. અને આજે 276.18 ફુટ નોંધાઈ છે. ઉકાઈ ડેમની કુલ સપાટી 345 ફૂટની ગણાય છે અને ડેમમાં લગભગ 7414 એમસીએમ પાણીનો સંગ્રહ થાય છે. ઉકાઈ ડેમમાં સંગ્રહ થતા પાણી વડે હાઈડ્રો થકી વીજળી ઉત્પાદન લીધા બાદ સિંચાઈ માટે,પીવાના પાણી અને ઉધોગોને જરૂરિયાતનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. જોકે આ વર્ષે ઉનાળાના અંતમાં જ ડેમમાં પાણીની સપાટીમાં ભારે ઘટાડો નોંધાતા સર્વત્ર ચિંતાની લાગણી ઉભી થઇ હતી.
ઉકાઈ ડેમમાં હજી નોંધપાત્ર પાણી આવ્યું
આ વર્ષે પહેલી જૂન-2019 ના દિવસે ડેમની સપાટી 277.82 હતી જે ગત વર્ષે એટલે કે 2018 માં 289.24 ફુટ હતી આમ ગત વર્ષ કરતા ડેમમાં અગિયાર ફુટ જેટલું પાણીનો ઓછો સંગ્રહ થયો હતો. સામાન્ય રીતે છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર નાખીએ તો જૂન માસના બીજા સપ્તાહમાં ડેમમાં પાણીનો આવરો આવવાની શરૂઆત થઇ જતી હોય છે. જોકે આ વર્ષે જુલાઈની પ્રથમ સપ્તાહમાં ડેમમાં આવરો શરૂ થયો છે. ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ, ભુસાવળ, ધુલીયા, ચિખલધારા જેવા સ્થળોએ છેલ્લા બે દિવસમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ થયો હોવાની વિગત જાણવા મળી છે. જોકે, ઉપરવાસમાં આવેલા અન્ય ખાલી પડેલ નાનામોટા ડેમમાં આ પાણી અટકી જતું હોવાને કારણે ઉકાઈ ડેમ સુધી હજી નોંધપાત્ર પાણી આવ્યું છે.
ઉપવાસમાં વરસાદ
ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના ગીરણા, વાઘુર અને હથનુર ડેમના સ્ત્રાવ વિસ્તારમાં પણ વરસાદ થયો હોવાના સમાચાર છે. જેથી આગામી દિવસોમાં ઉકાઈ ડેમમાં પાણી આવવાની સંભાવના છે. સામાન્ય રીતે નંદુરબારના પ્રકાશા ડેમ અને ઉકાઈ ડેમ વચ્ચે આવેલ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં પડતા વરસાદી પાણીની આવક જૂન માસના અંતે થતી હોય છે. જોકે, આ વર્ષે મોડા પડેલ મેઘરાજાને કારણે જૂન માસમાં ડેમ પ્યાસો જ રહી ગયો હતો. એમ કહેવાય તો ખોટું નથી. જુલાઈના પ્રથમ પ્રથમ સપ્તાહમાં જ ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થતા સર્વત્ર હાશકારાની લાગણી ઉભી થઇ છે.
સંગ્રહક્ષમતાની સરખામણીએ 11.83 % પાણી જ બચ્યું
હાલમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક ધીમીધારે શરૂ થઇ હોય ડેમમાં પાણીની સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો છે. ડેમની શુક્રવાર સવારની સપાટી 275.78 ફુટ નોંધાઈ છે જે ગુરુવારે 276.68 હતી. આ વર્ષે 1 જૂને ડેમની સપાટી 277.82 ફુટ જેટલી નીચે ઉતરી ગઈ હતી જયારે ગત વર્ષ 2018 માં પણ આજ રીતે જૂન માસની શરૂઆતમાં ડેમમાં પાણીની સપાટી 289.24 હતી. ઉકાઈ ડેમમાં કુલ 7414 એમસીએમ પાણીનો સંગ્રહ થઇ શકે છે એના પ્રમાણમાં હાલમાં માત્ર 877.44 એમસીએમ પાણી જ બાકી રહ્યું છે જે કુલ સંગ્રહશક્તિના માત્ર 11.83 % જ ગણાય છે.
ઉપરવાસમાં 2 ડેમ આવ્યા છે
મધ્યપ્રદેશના બેતુલ માંથી નીકળતી તાપી નદી મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાતના તાપી તથા સુરત જિલ્લામાં થઇ આગળ હજીરા પાસે અરબી સમુદ્રમાં મળે છે. તાપી નદી પર ગુજરાતમાં ઉકાઈ ખાતે સહુથી મોટો ડેમ છે પરંતુ એમાં પાણીની મહત્તમ આવક મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રાજ્યના વિવિધ સ્થળે થી થાય છે. તાપી નદીમાં ચોમાસા દરમિયાન ઉપરવાસ માંથી થતી પાણીની આવક પહેલા હથનુર ડેમમાં સંગ્રહ થાય છે અને ત્યાંથી તબક્કાવાર છોડવામાં આવતું હોય છે. આ પાણી ઉકાઈ આવતા પહેલા ધુલીયા નજીકના સારણખેડા અને ફૂલવાડી ખાતે અને જલગાવના પડલશા તથા નંદુરબારના પ્રકાશા બેરેજ ડેમ ખાતે ભરવામાં આવે છે અને બાદમાં તાપી જિલ્લામાં આવેલા ઉકાઈમાં આવેલ ડેમમાં વરસાદી પાણી આવતા હોય છે.