સુરત:આજે સુરત આવેલા વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈને કોંગ્રેસ અને મુસ્લિમ સમાજ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં લવજેહાદ, મોબલિચિંગ તથા જય શ્રી રામના નારાનો જે રીતે પ્રચાર કરાય રહ્યો છે, તે સ્પષ્ટ છે કે કોંગ્રેસ અને જેહાદી આ બધા દેશમાં વ્યાપક દંગો કરાવવામાં માંગે છે.
કોંગ્રેસની આ ચાલ છેઃજૈન
અગાઉના દિવસમાં સુરત, રાંચી તથા દેશના 15થી 20 સ્થળોએ જે થયું તે માત્ર વિરોધ પ્રદર્શન નહિં ઉગ્ર પ્રદર્શન હતું. તમામ સ્થળોએ હિંદુ સંગઠનને અપમાન સાથે દેશ વિરોધી નારા લાગ્યા. એટલું નહિં કેટલાક સ્થળે પાકિસ્તાનના સમર્થનમાં પણ નારા લાગ્યા. પ્રદર્શનમાં પોલીસની સાથે માથાકૂટ, દુકાનો સળગાવાની, મંદિરમાં હૂમલાની ઘટનાથી સ્પષ્ટ છે કે, દેશમાં દંગો ફેલાવવાની સાજિશ છે. દેશમાં જ્યાં મોટા પ્રદર્શન થયા તેમાં નેતૃત્વ કોંગ્રેસના નેતાઓનું જ રહ્યું છે. જેનો મતલબ સાફ છે કે કોંગ્રેસ જેહાદી સાથે મળીને દેશમાં દંગો કરાવી રહ્યા છે તેમ સુરેન્દ્ર જૈને વધુમાં ઉમેર્યું હતું.
હિન્દુઓની હત્યા મોબ લિંચિગ નથી?: જૈન
સુરેન્દ્ર જૈને કહ્યું કે મોબલિંચિંગ માત્ર મુસલામાનોનું નહિં હિન્દુઓનું પણ થાય છે. કાશ્મીરમાં 300થી વધુ હિન્દુઓની હત્યા થઇ તે મોબલિંચિંગ નથી? દેશમાં અનેક આવી ઘટનાઓ સામે આવી રહી છે. હિન્દુની હત્યાએ હત્યા નહિં ને મુસલમાનોની હત્યા જ હત્યા છે? મોબલિચિંગના બહાને સમગ્ર વિશ્વમાં હિન્દુ સંગઠનને બદનામ કરવાની સાજિશ કરવામાં આવી છે. મુસ્લિમ સમાજનો બહુ મોટો હિસ્સો પૂરા દેશમાં વિરોધ પ્રદર્શનના માધ્યમથી આતંક ફેલાવવા માંગે છે. દેશમાં વધી રહેલી વસ્તીને લઇ તેમણે જણાવ્યું કે જનસંખ્યા વિસ્ફોટ દેશ માટે મોટો ખતરો છે. હાલમાં દેશના કેટલાક રાજ્યોમાં તેને રોકવા કોમન પોપ્યુલેશન પોલીસી બનાવવામાં આવી છે. જે સરકારે સમગ્ર દેશમાં લાગુ કરવી જોઇએ.
તોગડીયા મુદ્દે મૌન સેવ્યું
પ્રવિણ તોગડીયાના વિહિપમાં ન રહેવાથી શું ફરક પડ્યો તે અંગે સુરેન્દ્ર જૈને મૌન સેવતા કહ્યું હતું કે, કંઈ ફરક પડ્યો નથી. થોડા દિવસો પહેલા દિલ્હીમાં થયેલા સંમેલનમાં 20 હજાર લોકો હાજર રહ્યાં હતાં. આ એક વિચારધારાનું સંગઠન છે જેમાં લોકો પોતાના વિચારોથી જોડાય છે અને દરેક કાર્યકરો જ હોય છે તેમ ગોળ ગોળ જવાબ જૈને આપ્યો હતો.