સુરત : અતુલને બચાવવા મહિલા PSI મહિલાને ન્યાયથી વંચિત રાખશે

0
2

 

સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા દ્વારા યુવતીને કારથી અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. તેને લઈને છેલ્લા ઘણા દિવસથી સુરત શહેરમાં રાજકારણ ગરમાયું છે. સુરતની રાજકીય આગેવાન મહિલાઓ મહિલા તપાસ અધિકારી એલ.એમ ચૌધરી ઉપર ફિટકાર વરસાવી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મહિલા નેતાઓ દ્વારા અતુલ વેકરિયા પ્રકરણમાં તપાસને લઈને શંકા વ્યક્ત કરી રહી છે. હિટ એન્ડ ડ્રીંક પ્રકરણમાં મહિલા પોલીસ અધિકારી મૃતક મહિલાને ન્યાય આપવા માટે જે સત્ય સાથે વળગી રહીને તટસ્થ તપાસ કરવી જોઈતી હતી. જોકે, ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એલ.એમ.ચૌધરી રાજકીય હાથો બની રહ્યા છે. પી.એસ.આઇ યોગ્ય કામગીરી ન કરીને એક મહિલાને જાણે ન્યાયથી વંચિત રાખવાનો પ્રયાસ કરાયો હોય તેઓ અત્યાર સુધી કેસમાં આવેલી ચોંકાવનારી માહિતીઓ પરથી લાગી રહ્યું છે.

આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર નિરાલી દેસાઈ.
આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર નિરાલી દેસાઈ.

રાજકીય નેતાઓના દબાણમાં હળવી કલમો લગાવી
આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર નિરાલી દેસાઈએ જણાવ્યું છે કે, જ્યારે કોઈ મહિલા સાથે અન્યાય થતો હોય છે. ત્યારે તેની તપાસ કોઈ મહિલા અધિકારી દ્વારા કરાવવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે, પરંતુ સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ અધિકારીએ મૃતક ઉર્વશી ચૌધરીને ન્યાય અપાવવા માટે સત્યનો સાથ આપ્યો નથી. તેઓ માત્ર રાજકીય નેતાઓનો હાથો બનીને કામ કરી રહ્યા હોય તેવું લાગે છે. સમગ્ર પ્રકરણમાં ઘટના સ્થળ ઉપર જે પણ કંઈ થયું તે મીડિયાના માધ્યમથી તમામ લોકોની સમક્ષ આવ્યું હતું. પ્રથમ દ્રશ્યમાં જોઈએ ત્યારે જ માલૂમ પડી જાય કે અતુલ વેકરિયા નશાની હાલતમાં હોય મહિલાને કચડી નાખતા તેનું મોત થયું છે. તો આવા ગંભીર કેસમાં તપાસ અધિકારીએ શરૂઆતના તબક્કામાં જ ગંભીર કલમ લગાડીને તેને જામીન ન મળે તેના માટે પ્રયાસ કરવા જોઈતા હતા. પરંતુ તેઓ માત્ર રાજકીય નેતાઓના દબાણમાં આવીને હળવી કલમો લગાવીને તેને જામીન આપી દીધા હતા.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલ.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલ.

પોલીસે રાજકીય દબાણમાં યોગ્ય કામગીરી કરી નથી
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલે જણાવ્યું કે, મહિલા તરીકે અમને અપેક્ષા હતી કે, મૃતક યુવતીને ન્યાય મળશે. પી.એસ.આઇ પોલીસ મહિલા તપાસ અધિકારીએ ઉર્વશીને ન્યાય મળે તેવા પ્રયાસ કરવાની જરૂર હતી. પરંતુ તેઓ પણ રાજકીય નેતાઓને સરન્ડર થઈ ગયા અને તેમણે એક મહિલાને ન્યાય આપવાને બદલે રાજકીય દબાણમાં યોગ્ય કામગીરી કરી નથી તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

આપ નેતા કુંદન કોઠીયા.
આપ નેતા કુંદન કોઠીયા.

પોલીસ સત્યનો સાથ નથી આપી રહી
આપ નેતા કુંદન કોઠીયાના કહેવા મુજબ, અમે જ્યારે મૃતક ઉર્વશી ચૌધરીને ન્યાય આપવા માટે વિરોધ કરી રહ્યા હતા. ત્યારે અમારી સાથે પોલીસે જે બર્બરતાપૂર્વક કૃત્ય કર્યું છે તે નિંદનીય છે. મહિલા પોલીસ અધિકારીઓ પણ તેમના ઉપરી અધિકારીઓ અને રાજકીય નેતાઓના વહાલા થવા માટે અમારી સાથે આરોપી જેવો વ્યવહાર કર્યો હતો. એ જ બતાવે છે કે મૃતક યુવતીને ન્યાય આપવા માટે પોલીસ સત્યનો સાથ નથી આપી રહી, કોઈકના દબાણમાં કામ કરી રહી છે.

કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ છાયા ઠાકુર.
કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ છાયા ઠાકુર.

ગંભીર કેસમાં આરોપીને જામીન ન મળવો જોઈએ
કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ છાયા ઠાકુરે કહ્યું કે, મહિલા તપાસ અધિકારી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ યુવતીના પરિવારને અને યુવતીને ન્યાય મળશે એવી આશા બંધાઈ જાય છે, પરંતુ આજે અતુલ વેકરિયા આટલી મોટી ઘટનાને અંજામ આપી દીધા બાદ પણ જામીન મેળવીને પોલીસ સકંજામાંથી દૂર છે. આવા ગંભીર કેસમાં આરોપીને જામીન ન મળવો જોઈએ પરંતુ મહિલા તપાસ અધિકારીએ કરેલી નબળી કામગીરી ને કારણે આજે અતુલ વેકરિયા જેવા આરોપી કે જે દારૂના નશામાં નિર્દોષ યુવતીને કચડીને મોતને ઘાટ ઉતારી દીધી છે ,છતાં પણ બેખોપ થઈને બહાર ફરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here