સુરતના વરાછામાં ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત સિન્થેટીક દોરાના જથ્થા સાથે બેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બાતમી આધારે વરાછા વિસ્તારમાં આવેલી અક્ષર નિવાસની દુકાનમાં રેડ કરી હતી. જેમાં પોલીસે પ્રતિબંધીત સિન્થટીક દોરીના 94 બોબીન કબજે કર્યા છે.
બાતમી આધારે પોલીસે રેડ કરી
વરાછા વિસ્તારના માતાવાડી ખાતે આવેલી અક્ષર નિવાસની દુકાન નં-26માં પ્રતિબંધિત સિન્થેટીક દોરાનો જથ્થો એકઠો કરવામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને પગેલ પોલીસે રેડ કરી કેવિન અશોકભાઇ માંગુકીયા(ઉ.વ.27) અને રાહુલ પ્રવિણભાઇ વેકરીયા (ઉ.વ.20)ને પ્રતિબંધીત સિન્થેટીક દોરીના 94 બોબીન સાથે ઝડપી પાડ્યા હતા.
જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી
પોલીસે 28200ની કિંમતના સિન્થેટીક દોરીના 94 બોબીન, દોરી વેચાણના રોકડા 13330, 10 હજારના બે મોબાઈલ સહિત કુલ 51530 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.