સુરતઃ કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને 9 દિવસથી ગુમ હીરા દલાલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેમાં પોલીસ દ્વારા બે આરોપી હીરા દલાલની ધરપકડ કરવામાં આવી છે. અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
યુવકોએ હત્યાનો ગુનો કબૂલ કર્યો
મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી અશોક વાટીકા સોસાયટીમાં મુકેશ દેવજીભાઈ લાઠીયા(ઉ.વ.38) પરિવાર સાથે રહે છે. અને હીરાની દલાલી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 21મીના રેજ ઘરેથી હીરા બજારમાં જવાનું રહીને નીકળ્યા હતા. જોકે, સાંજ થવા છતા ઘરે ન પહોંચતા તેના મોટા ભાઈએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તપાસ કરતા બે યુવકો પર શંકા સેવવામાં આવી હતી. જેથી પોલીસે બંને યુવકો ઘનશ્યામ અશ્વીન મુલાણી(ઉ.વ.29) અને ઈલેશ વિઠ્ઠલ મોરી(ઉ.વ.24)ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં બંને યુવકોએ હત્યાનો ગુનો કબૂલ કરી લીધો હતો.
લાશ મળી આવી
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓએ આયોજનપૂર્વક મુકેશને હીરા લેવાનું કહીંને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારબાદ કતારગામ વેડરોડ ખાતે આવતા જ બેટના ફટકા મારી હત્યા કરી નાખી હતી. અને મુકેશની લાશને છુપાવી દીધી હતી. પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનો કબૂલ કરતા મોડી રાત્રે મુકેશની લાશ મોટાવરાછા દુઃખીયાના દરબાર આગળ કેનાલ પાસેથી મળી આવી હતી.
9 દિવસથી ગુમ હતા
પરિવારજનોએ જણાવ્યું હતું કે, 21મીના દિવસે મુકેશ ઘરેથી સવારે નીકળીને હીરા બજારમાં જવા નીકળ્યા હતા. રાત્રે ઘરે ન આવતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જાણ કરી મિસિંગની અરજી કરી તપાસ ચાલુ કરાવી હતી. પરિવારના તમામ સભ્યો ઘરેથી નીકળે સોસાયટીની બહાર ત્યાંથી જાહેર રોડના તમામ કેમરા જોવાનું ચાલુ કર્યું હતું. જેમાં મુકેશભાઈ છેલ્લે કતારગામ વેડરોડ નજીક એક હીરા બજાર સાથે જોડાયેલા ભાઈને ત્યાં મળ્યા અને ડાયમન્ડ પેકેટ આપ લે કરી અને પછી ત્યાંથી સામે ગલીમાં ગયા અને પછી આજુબાજુના તમામ કેમેરા જોતા ક્યાંય મળ્યા નહીં અને ગુમ થઈ ગયા હતા. ત્યાંથી પોલીસને જાણ કરી અને તેની સાથે જે ભાઈ હતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. અને ત્યારે લગભગ 27 તારીખ થઈ ગઈ હતી. 21મીથી ગુમ થયેલા મુકેશની મોડી રાત્રે મોટાવરાછા દુઃખીયાના દરબાર આગળ કેનાલ પાસે તેનો મૃતદેહ મળ્યો હતો.