સુરતઃ ભેસ્તાન નજીક બાઇક સવાર બે અજાણ્યા ઈસમોએ રાહદારીને જાહેરમાં ફટકારી લૂંટ ચલાવતા ફરી પોલીસ પેટ્રોલીંગ સામે પ્રશ્નો ઉભા થયા છે. મધરાત્રે બનેલી આ ઘટના બાદ ઇજાગ્રસ્ત સિલાઈ કારીગરને વહેલી સવારે સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. રામકિશોર નિશાદ યુપીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. નાઈટ પાળી કરી ઘરે જતા રામકિશોરના હાથ-પગ તોડી બાઇક સવાર લૂંટારુઓ એક મોબાઈલ ફોન અને 1800 રૂપિયા રોકડની લૂંટ કરી ભાગી ગયા હોવાનું રામકિશોરે જણાવ્યું છે.
બાઈક સવાર ઈસમોએ હુમલો કર્યો
ઓમકાર ચૌધરી (મેડિકલ ઓફિસર, સુરત સિવિલ) એ જણાવ્યું હતું કે, રામકિશોરના ડાબા હાથના કાંડા પર અને પગમાં ફ્રેક્ચર હોવાનું અનુમાન છે. તેમજ માથા કપાળ પર એક ઊંડો ઘા છે. રામકિશોર પર લોખંડના સળીયાથી બાઇક સવાર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હોવાનું રામકિશોરે જણાવ્યું છે. હાલ તેની તબિયત સાધારણ કહીં શકાય છે. ઓર્થો અને સર્જરી વિભાગમાં રામકિશોરને રીફર કરાયો છે. તેમજ આ બનાવ સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.