સુરત : દીકરી અને પત્નીની મૃત્યુની વાતથી અજાણ રાખીને તબીબોએ વૃદ્ધની સારવાર કરી

0
4

ડભોલી આઇસોલેશન સેન્ટરમાં જિંદગીની જંગ જીતનાર વૃદ્ધને હમ સફર અને લાડકી દીકરીના મોતથી અજાણ રાખી ડોક્ટરો અને દર્દીઓ રોજ કલાકો સુધી વૃદ્ધની વાતો સાંભળી એમને સાજા કરવાનો અનોખો પ્રયોગ કરી રહ્યા છે. જીવન તો ગામડાનું હો, ઘરવાળી સાજી થઈ જાય એટલે આપણે તો ગામડે જઇ મોજ જ છે. આવો ગામડે મારી ઘર વાળીના હાથના રોટલા શાક ખાવા, સ્વર્ગ યાદ આવી જશે, બચુકાકાની આવી વાતો સાંભળી સાથી દર્દીઓ જ નહીં પણ ડોક્ટરોની આંખ પણ છલકાય જાય છે. છતાં આંસુઓને રોકી વૃદ્ધની હા મોજ હા.. કરી એમને સાજા કરવા ડોક્ટરો સાથે આઇસોલેશનના યુવા સંચાલકો મક્કમ થયા છે.

વૃદ્ધને મોતની જાણ કરાઈ નથી
ગોપાલભાઈ પાવસિયા (હીરા વેપારી અને સામાજિક કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે, બચુકાકા પર વિધાતાની વક્રતા જોઈ આંખ છલકાય જાય છે. બચુકાકા ભીમજીભાઈ અણધણ (ઉ.વ. 70 (રહે ઉગામેડી ગામ ગઢડા ભાવનગર) અમને એમના પત્ની રંભાબેન (ઉ.વ. 70)ને દીકરી કોરોનાની સારવાર માટે 12 દિવસ પહેલા સુરત ડભોલીની એલ. પી. સવાણી સ્કૂલમાં કતારગામ મિત્ર વૃંદ આઇસોલેશન સેન્ટરમાં લઈ આવી હતી. 25-30 ટકા ઇન્ફેક્શન સાથે આવેલા બચુકાકાને બે દિવસ બાદ ઇન્ફેક્શન 45 ટકા થઈ ગયું હતું. એટલે એમને દવા સાથે ઓક્સિજન પર મુકવાની ફરજ પડી હતી. આવા સંજોગોમાં એમના પત્ની રંભાબેનની તબિયત બગડતા એમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી દેવાયા હતા.

સાત દિવસ પહેલા રંભાબેનનું મોત થયું
પતિ-પત્નીની સાથે એમની ત્રણ પૈકી સુરત રહેતી લાડકી પરિણીત દીકરી દક્ષાબેન પ્રેમજીભાઈ ડુંગરાણીને કોરોના સંક્રમણ આવતા એમને તાત્કાલિક દાખલ કરાયા હતાં. CT સ્કેનમાં ઇન્ફેક્શન 60 ટકા નીકળ્યું એટલે આખું પરિવાર દોડતું થઈ ગયું હતું. ત્રણેય અલગ અલગ હોસ્પિટલમાં કોરોના સામે લડી રહ્યા હતા. એવામાં 7 દિવસ પહેલા રંભાબેનનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો, બધા એ આ દુઃખદ ઘટનાથી બચુકાકા અને દીકરી દક્ષાને અજાણ રાખી અંતિમ વિધિ પુરી કરી નાખી હતી.

ગ્રામ્ય જીવનની વાતોમાં સંબંધીઓને ભૂલવવાની કોશિષ કરવામાં આવી રહી છે.
ગ્રામ્ય જીવનની વાતોમાં સંબંધીઓને ભૂલવવાની કોશિષ કરવામાં આવી રહી છે.

દીકરીનું પણ મોત થયું
માતા કહો કે વેવાણ કહો વૃદ્ધ રંભાબેનની 12 માની વિધિ પૂરી ન થઈ એ પહેલાં દીકરી દક્ષાએ અંતિમ શ્વાસ લેતા આખા પરિવાર એક ખૂણામાં ધુસ્કે ને ધુસ્કે રડી પોતાના પર આવી પડેલી વિધાતાની નરાજગીને દૂર કરવા પ્રભુને પ્રાર્થના કરી રહ્યો હતી. બધાને એક જ ચિતા હતી કે, બચુકાકાને ખબર પડશે તો એમનું હૃદય બેસી જશે. આ શોક એમનો જીવ લઈ લેશે, બસ એટલે આઇસોલેશનમાં દાખલ બચુ કાકાને બચાવવા પરિવારે ડોક્ટરો-સ્ટાફને વિશ્વાસમાં લઈ કશું થયું જ નથી એવા હાવભાવ રાખી બચુકાકાને મળતા રહ્યા. એટલું જ નહીં પણ પત્ની અને દીકરીને યાદ કરતા બચુકાકાને વાતોમાં લઈ એમનું માઈન્ડ ડાયવર્ટ કરી દેતા હતા.

વૃદ્ધ સાજા થયા બાદ ગામડે જતા રહેવાની વાતો કરે છે.
વૃદ્ધ સાજા થયા બાદ ગામડે જતા રહેવાની વાતો કરે છે.

ગામડાની યાદો અને વાતો કરાવાય છે
પરેશભાઈ મોરડીયા (આઇસોલેશનના ઇન્ચાર્જ) એ જણાવ્યું હતું કે, બચુકાકાને આઘાતથી દૂર રાખવાની કોઈ દવા ન હતી. એટલે એમને વાતોમાં રાખતા હતા. એમની સાથે ગામડે વિતાવેલા સમયની યાદ તાજી કરાવી દેતા હતા. 12 વિઘાના ખેડૂત બચુકાકા કહેતા ત્રણ લીમડી છે થાકી જાઉં એટલે લીમડીના છાંયડા હેઠળ બેસીને આરામ કરી લઉં, કપાસની ખેતી થાય, સવાર – સાંજ તારી કાકીના હાથના રોટલા અને શાક, વાહ ચટાકેદાર શુદ્ધ ભોજન ખાધા બાદ નિંદર જ આવી જાય, તારી કાકી સાજી થાય એટલે આપણે તો ચાલ્યા જઈશું પાછા ગામડે, પણ તમારે આવવાનું હો, તમે મારી જે સેવા કરી છે એનું ઋણ તો ન ચૂકવી શકાય પણ થોડી સેવા કરવાનો મોકો આપજો અમને પણ, આવું કહી બધાને ભાવુક બનાવી દે છે. જોજે હજી સુધી એમને નથી કહેવાયું કે એમના હમ સફર અને દીકરી હવે નથી રહ્યા આ હિંમત તો અમારા કોઈ ના મા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here