નવરાત્રિમાં શોક : આબુમાં મિત્રો સાથે ગરબા રમતાં-રમતાં ઢળી પડેલા સુરતના યુવકનું મોત

0
0

સુરતઃમાં આદ્યશક્તિ અંબાની ભક્તિ પર્વ નવરાત્રિમાં અંબાજીના દર્શને મૂળ સૌરાષ્ટ્રના વતની પણ સુરતના મોટા વરાછામાં રહીને હીરાના બ્રોકરેજનું કામ કરતાં જગદીશભાઈ માવાણી ગયા હતાં. છેલ્લા 15 વર્ષથી એકલા જતાં જગદીશભાઈ આ વખતે પરિવાર અને મિત્રોની સાથે અંબાજીના દર્શન કરી આબુ ગયાં હતાં. આબુમાં રાત્રે ગરબા રમતી વખતે અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યાં હતાં. મોતની આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી.

જગદીશભાઈ અંબાજી માતાના ઉપાસક હતા

મોટા વરાછા સેટેલાઈટ રોડ પર આવેલા અનમોલ હાઉસમાં રહેતા જગદીશભાઈ વલ્લભભાઈ માવાણી(ઉ.વ.આ.44) મિનીબજારમાં હીરાના બ્રોકરેજનું કામ કરતાં હતાં. જગદીશભાઈ માં અંબાજીના ઉપાસક હતા અને દર વર્ષે સુરતથી અંબાજી માતાના દર્શન કરવા નવરાત્રિની આઠમે જતાં હતાં. આ વર્ષે પણ તેઓ જવાના હતાં. જેથી તેમની સાથે કામ કરતાં અને મિત્રોએ પણ જવાની તૈયારી દર્શાવી હતી. જેથી 12 જેટલા લોકો સપરિવાર અંબાજી માતાના દર્શન કરી આબુ ફરવા જવાનું નક્કી કર્યું હતું.

આબુમાં અવસાન થયું

મૃતકના મોટાભાઈ ધીરૂભાઈએ જણાવ્યું હતું કે, જગદીશભાઈની સાથે બધા સુરતથી પ્રાઈવેટ વાહનમાં અંબાજી ગયા અને બાદમાં અગાઉથી જ બૂક કરાવાયેલી આબુની હોટલમાં રોકાયા હતાં. રાત્રે ગરબાની રમતી વખતે અચાનક તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે તેમની પત્નીને જાણ કર્યા વગર સુરત લવાયા અને જગદીશભાઈનું ત્યાં જ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું.પીએમ રિપોર્ટમાં તેમને એટેક આવ્યાનું સામે આવ્યું હતું. જગદીશભાઈની તબિયત એકદમ તંદુરસ્ત હતી અગાઉ કોઈ બીમારી પણ નહોતી.

ગરબા રમવાના ઉત્સાહી હતા

મૃતકના કાકા ધનજીભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, તે દિવસે અંબાજી માતાના દર્શન કરવામાં ખૂબ મોટી લાઈન હતી. આ લોકો સવારે સુરતથી વહેલા નીકળેલા જમીને પછી દર્શન કરી આબુ પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. બધા હોટલમાં જમવા જતા પરંતુ હોટલના ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન થયું હતુ અને ગરબા શરૂ થઈ ગયા હોવાથી જગદીશ સહિતના લોકોએ જમવાનું બાદમાં અને ગરબા પહેલા રાખ્યા હતાં. જગદીશ પોતે ગરબાનો ઉત્સાહી હતો.ગરબા દ્વારા માતાજીની આરાધના કરવામાં તે માનતો હતો. પરંતુ ભુખ્યા પેટે કદાચ રમવાથી સુગર લો થઈ ગયું હોય અને ચક્કર આવતાં મોત થયું હોય તેમ પણ કહી શકાય.

બે સંતાનોએ ગુમાવી પિતાની છત્ર છાયા

જગદીશભાઈનું નાની વયે અવસાન થતાં તેમના બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવવી પડી છે. જગદીશભાઈનો મોટો દીકરો કોલેજના પહેલા વર્ષમાં અને નાનો દીકરો 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. જગદીશભાઈના અકાળે અવસાન થતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here