સુરત : યૂરો સ્કૂલમાંથી લિવિંગ સર્ટી અને રિજલ્ટ લેવા આવેલા વાલીઓ પાસેથી ઓનલાઈન ભણાવ્યાના નામે ફી મંગાતા વિરોધ

0
0

સુરત. પુણા કુંભારીયા કેનાલ રોડ પર વલથાણ નજીક આવેલી યૂરો સ્કૂલમાં વાલીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો છે. રિઝલ્ટ અને લિવિંગ સર્ટીફિકેટ લેવા માટે ગયેલા વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી કરવામાં આવી છે. જેથી વાલીઓએ ફી ભરવાનું કારણ પુછતાં શાળા સંચાલકોએ કહ્યું કે,  છેલ્લા એક મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જેથી ફી ભરવી પડશે. આથી વાલીઓએ વિરોધ પ્રદર્શિત કરતાં કહ્યું કે, જ્યારે શાળામાં ભણવાનું શરૂ કરાવવામાં આવે ત્યાર બાદ જ ફી માંગવી જોઈએ. હાલ શૈક્ષણિક કાર્ય ઠપ્પ છે અને ઉદ્યોગ ધંધાને લોકડાઉનના કારણે અસર થઈ છે ત્યારે શાળાઓ દ્વારા ફી માટે દબાણ કરવામાં આવે તે યોગ્ય નથી. આ અંગે વાલીઓએ DEO સહિતનાને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

શાળા સંચાલકો દાદાગીરી કરતા હોવાના આક્ષેપ

શાળાના વાલી રામ ધડૂકે જણાવ્યું હતું કે, યૂરો સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હાલ લોકડાઉન બાદ હજુ ઉદ્યોગ શરૂ થયા છે તે વખતે કોઈ પાસે રૂપિયા નથી કે તેઓ ફી ભરી જાય અને હજુ શાળાઓ પણ શરૂ નથી થઈ પરંતુ ઓનલાઈનના નામે ફી ઉઘરાવવા દબાણ થાય છે. વાલીઓની સ્થિતિ નથી કે બાળકો ઓનલાઈને એજ્યુકેશન મેળવી શકે તે માટે ઈન્સ્ટ્રુમેન્ટ નથી. એક ફોન હોય ત્યારે એ કમાનાર વ્યક્તિ તેની સાથે ફોન રાખે કે બાળકોને ઘરે આપીને જાય તેવા પણ સવાલો ઉભા થયા છે. ત્યારે ફી માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે તેનો લગભગ 150 જેટલા વાલીઓએ એકઠા થઈને વિરોધ પ્રદર્શિત કર્યો છે.