પ્લાઝમા ડોનેટ કરવામાં સુરતીઓ અગ્રેસર:ગોપીનાથ જેમ્સના 42 રત્નકલાકારોએ પ્લાઝમા દાન કર્યું

0
7
પ્લાઝમા ડોનેટ માટે ડાયમંડ કંપનીએ પ્રોત્સાહિત કર્યા
  • 939 વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યા જે પૈકી 1569 ઈસ્યુ સાથે સુરત રાજ્યમાં પ્રથમ નંબરે
પ્લાઝમા ડોનેટ માટે ડાયમંડ કંપનીએ પ્રોત્સાહિત કર્યા

સીએન 24 સમાચાર

વૈશ્વિક કોરોના મહામારીના સમયે સુરતીઓ કોરોના સંક્રમિતને સ્વસ્થ કરવામાં મહત્વની સાબિત થયેલી પ્લાઝમા થેરાપી અંતર્ગત મહામૂલા પ્લાઝમા ડોનેટ કરવામાં અગ્રેસર રહ્યા છે. દાનવીરોની ભૂમિ એવી સુરત શહેરની એક પછી એક ડાયમંડ કંપનીના રત્નકલાકારો મોટી સંખ્યામાં આગળ આવીને એન્ટી બોડી ટેસ્ટ કરીને પ્લાઝમા દાન આપી રહ્યા છે. વરાછા વિસ્તારની ગોપીનાથ જેમ્સ ડાયમંડ કંપનીના 42 યુવાનોએ પ્લાઝમા ડોનેટ કરી માનવતાવાદી કાર્યમાં જોડાઇ નવી રાહ ચીંધી છે. મહત્વનું છે કે, 939 વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યા જે પૈકી 1569 ઈસ્યુ સાથે સુરત રાજ્યમાં પ્રથમ નંબરે છે

રત્નકલાકારોએ તબક્કાવાર પ્લાઝમા દાન કરી હીરા સમાન હીર ઝળકાવ્યું
ગોપીનાથ જેમ્સના માલિક નાગજીભાઈ વિઠ્ઠલભાઈ ઠુમ્મરે જણાવ્યું કે, કોવિડ-19ની મહામારીમાં લોકડાઉન બાદ સરકારની ગાઈડલાઈન અનુસાર ડાયમંડ પ્રોડક્શન નિયમોનુસાર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વર્તમાનપત્રોમાં રોજબરોજ પ્લાઝમાના સમાચારો વાચીને અમારી કંપનીના રત્નકલાકારોએ પણ સાથે મળીને પ્લાઝમા દાન કરવાનો સંકલ્પ કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલનો સંપર્ક સાધીને કંપનીના 68 રત્નકલાકારોના એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી 48 વ્યક્તિઓને કોરોનાના સિમ્પટમ્સ ડેવલપ થયા હોવાનું જણાયું હતું. સૌને પ્રેરણા આપતા આ તમામ રત્નકલાકારોએ પ્લાઝમા આપવાની તૈયારી દર્શાવી હતી. પ્લાઝમાના ધારાધોરણો અનુસાર 42 રત્નકલાકારોએ તબક્કાવાર પોતાના પ્લાઝમા દાન કરી હીરા સમાન હીર ઝળકાવ્યું છે.

બીજીવાર પ્લાઝમા ડોનેટ કરવા તૈયારી
રત્નકલાકાર અને પ્લાઝમા ડોનેટ કરનાર કેતન વાડદોરીયાએ જણાવ્યું હતું કે, દોઢ મહિના પહેલા કોરોના સંક્રમિત થયો, જેથી ફેમિલી ડોક્ટરની સલાહ લઈ 14 દિવસ હોમ આઈસોલેશનમાં રહી કોરોનાની સારવાર લીધી હતી. કંપનીના માલિકની પ્રેરણાથી પ્લાઝમા ડોનેટ કર્યું છે. જરૂર પડ્યે હું બીજીવાર પ્લાઝમા ડોનેટ કરીશ. અન્ય લોકો પણ પ્લાઝમા ડોનેટ કરે તેવી કેતનભાઈએ અપીલ કરી હતી.

પ્લાઝમા ડોનેટ માટે કંપનીએ પ્રોત્સાહિત કર્યા
મૂળ અમરેલીના નાની વડાલ ગામના વતની અને હાલ સુરતના લસકાણા ખાતે રહેતા અને પ્લાઝમા ડોનેટ કરનાર 50 વર્ષીય હિમ્મતભાઈ ઠુમ્મરે જણાવ્યું કે, બે મહિના પહેલા સામાન્ય શરદી-ખાંસી, તાવના લક્ષણ જણાતા સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. કોવિડ વોર્ડમાં સારવાર મેળવી. બીજી કોઈ તકલીફ ન હતી એટલે ત્રણ દિવસ બાદ ડિસ્ચાર્જ થઈ ઘરે 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન થઈ સ્વસ્થ થયો હતો. અમે સાથે પ્લાઝમાનો સંકલ્પ કર્યો, કંપનીએ પ્રોત્સાહિત કર્યા એનો મને આનંદ છે.

સમાજહિતના ઉમદા કાર્યમાં હંમેશા યોગદાન આપવા તૈયારી
સિમાડા ગામમાં રહેતા રત્નકલાકાર રાજેશભાઈ પટેલે પણ પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારીથી ડાયમંડ યુનિટ બંધ હતા તે સમયે તાવ, શરદી, ખાંસી થતાં ઘરે રહીને ડોક્ટરની સારવાર લઈ ૧૪ દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયો છું. ત્યારબાદ કંપની ચાલુ થઈ ત્યારે કંપની દ્વારા તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ અને એન્ટીબોડી ટેસ્ટ કરાયા હતા. શરીરમાં એન્ટીબોડી જણાતાં કંપનીના માલિકની પ્રેરણાથી મેં પણ પ્લાઝમાં ડોનેટ કર્યું છે. તેની મને ઘણી ખુશી છે. આગળ આવા સમાજહિતના ઉમદા કાર્યમાં હંમેશા શક્ય તેટલું યોગદાન આપીશ.

પ્લાઝમાથી બે વ્યક્તિને નવજીવન આપી શકાય
મૂળ સૌરાષ્ટ્રના નાની વડાલ ગામના અને સુરત મોટા વરાછા વિસ્તારની રાજશૈલી સોસાયટીમાં રહેતા 31 વર્ષીય કમલેશ ઠુમ્મરે જણાવ્યું કે, દોઢ મહિના પહેલા કોરોના સંક્રમિત થયો હતો. સ્વસ્થ થયા બાદ પ્લાઝમાથી બે વ્યક્તિને નવજીવન આપી શકાય તે જાણીને મેં પણ પ્લાઝમા ડોનેટ કર્યું છે.

અન્ય લોકોના જીવ બચાવવા માટે પ્લાઝમાનું દાન
મૂળ સૌરાષ્ટ્રના અને વર્ષોથી કામરેજની નવકાર સોસાયટીમાં રહેતાં 32 વર્ષીય અતુલ ધામેલીયાએ જણાવ્યું કે, ‘લોકડાઉન બાદ કંપની ચાલુ થતાં કામ પર પાછા ફર્યા. એન્ટીબોડી ટેસ્ટમાં મારામાં પણ એન્ટીબોડી ડેવલપ થઇ હોવાનું જણાયું, જેથી મેં પણ અન્ય લોકોના જીવ બચાવવા માટે પ્લાઝમાનું દાન કર્યું છે. હાલ કોરોનાની દવા શોધાઈ નથી, ત્યારે મેડિકલ સાયન્સના રિસર્ચ મુજબ કોરોનાના સંક્રમણથી સાજા થયેલ વ્યક્તિઓ 28 દિવસ બાદ પોતાના શરીરમાં બનેલ પ્લાઝમા જો કોઈ બીજા સંક્રમિત દર્દીને આપે તો રિકવરી થવામાં ખુબ મદદરૂપ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here