હળવદથી માનસર ગામે ફેબ્રિકેશનનું કામ કરવા બાઈક ઉપર જઈ રહેલા ત્રણ યુવાનોને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં પોલીસે અકસ્માત અંગેની ફરિયાદ નોંધી છે.
અકસ્માતના આ બનાવ અંગે હળવદ સિદ્ધી વિનાયક ટાઉનશીપમાં રહેતા બમહેશ ત્રીભોવનભાઇ ચાવડાએ હળવદ પોલીસ મથકમાં ટ્રક નંબર GJ-27-6112ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ સવારે તેમનો ભાઈ રાજેશ ફેબ્રિકેશનનું કામ કરવા કારીગર મનોજભાઇ તથા અલ્પેશભાઇને લઈને બાઈક ઉપર જતો હતો. ત્યારે ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતાં રાજેશભાઇ અને મનોજભાઈને ઇજાઓ પહોંચી હતી, જ્યારે અલ્પેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ 279, 337, 337 અને 304 (અ) તથા એમ.વી.એકટ કલમ 177 અને 184 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.