સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરના વાદીપરામાં રહેતા વ્યકિત પરચૂરણ દુકાન ચલાવે છે. ત્યારે એક યુવાને બુધવારે બપોરના સમયે તેમના ઘરે ધસી જઇ તમારો માલ સામાન આવ્યો છે તેમ કહી મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ દેકારો કરતા આસપાસના શખ્સોએ ધસી આવી યુવાનને લમઘાર્યો હતો. જયારે પોલીસે તુરંત પહોંચી જઇને યુવાનની અટક કરી તેની સામે ગુનો દાખલ કર્યો છે.
સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં આવેલ શેરી નં.7માં રહેતા ચંદુભાઇ ભંભાણી ઘરની નજીક જ પરચૂરણ માલ સામાનની દુકાન ચલાવે છે. દુકાનમાં આવતા માલ સામાનનો તેઓ ઘરે જ સંગ્રહ કરે છે. તા. 10ને બુધવારના બપોરના સમયે ચંદુભાઇના પત્ની કૈલાશબેન ઘરે એકલા હતા. ત્યારે એક યુવાને આવી તમારો માલ આવ્યો છે, લઇ લો તેમ કહ્યુ હતુ. આથી કૈલાશબેન તેમના પતિ ચંદુભાઇને કોઇ માલ મંગાવ્યો છે કે કેમ તે અંગે ફોન કરતા હતા.
આ સમયે યુવાને કૈલાશબેન પર હૂમલો કરી ગળે ઇજા પહોંચાડી તેમના ગળામાં રહેલા સોનાના ચેનને ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કૈલાસબેને દેકારો કરતા આસપાસમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને યુવાનને લમઘાર્યો હતો. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે જાણ થતા પીએસઆઇ એમ.ટી.વાળંદ, ડી સ્ટાફના વિજયસિંહ સહિતનાઓ વાદીપરા ધસી ગયા હતા. અને લીલાપુરના જશવંત ઉર્ફે જશુ મેલાભાઇ રાણેવડીયાની અટક કરી તેને પોલીસ મથકે લઇ જવાયો હતો. આ અંગે કૈલાશબેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આરોપીએ બે-ત્રણ દિવસ રેકી કરી હતી
ચંદુભાઇની મહાલક્ષ્મી રોડ પર દુકાન માટે રોજ ઘરે માલ સામાન આવતો હતો. આ સામાન આવતો જોઇ જશવંત બે – ત્રણ દિવસ રેકી કરી હતી. કેવા સમયે સામાન આવે છે તેનું ધ્યાન રાખી બુધવારે બપોરના સમયે માલ સામાન આવ્યો છે કહી ઘરે પહોંચ્યો હતો.
આસપાસના લોકોએ મેથીપાક ચખાડ્યો
પૂછપરછમાં આરોપી જશવંત રાણેવડીયાએ જણાવ્યુ કે, તેને લોન પર ફાઇનાન્સ કંપનીમાંથી વાહન લીધુ હતુ. જેના હપ્તા ચડી ગયા હતા અને ફાઇનાન્સ કંપનીવાળા કડક ઉઘરાણી કરતા હોવાથી કૈલાશબેન પર હુમલો કરી ગળે ઇજા પહોંચાડી સોનાના ચેનને ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કૈલાસબેને દેકારો કરતા લોકો એકઠા થઇ યુવાનને લમઘાર્યો હતો.