સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાં રૂપિયા બે લાખના ખર્ચે તળાવના માર્ગે શિતળા માતાજીના મંદિર પાસે કોઝવેનું કામ કરવામાં આવ્યું હતુ. આ કામને હજી ફક્ત આઠ મહિના જેટલો સમય થયો છે, ત્યારે હજુ વરસાદ પણ બરાબર નથી થયો, ત્યાં જ કોઝવે તુટી જવા પામ્યો છે. આ કોઝવે વરસાદમાં લોકોને ઉપયોગી થાય તે હેતુથી બનાવવામાં આવ્યો હતો. આ બાબતે જાગૃત નાગરિક દ્વારા વિડિયો વાઈરલ કરી સમગ્ર ભ્રષ્ટાચાર યુક્ત કામગીરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ કોઝવે ઉપરથી 25 મકાનના રહીશોને કોઈ તકલીફ વરસાદમા ન પડે તે માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ વરસાદ પહેલાં જ કોઝવેમાં મોટી તિરાડો પડી ફાટી જવા પામ્યો છે. આ બાબતે ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નબળી ગુણવત્તાનો સિમેન્ટ વાપરવામાં આવ્યો છે, તેમ સરાનાં રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
મૂળીના રાજુભાઇ સોલંકીની સાથે બાબુભાઈ મકવાણા, મહેશ પરમાર, દલાભાઈ સોલંકી, વિજયભાઈ અને રમેશભાઇએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે,આ ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી કરી સરકારી નાણાનો ગેરઉપયોગ નજરે નિહાળી શકાય છે. પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામા આવ્યા નથી. ત્યારે મુળીના સરા ગામે આઠ મહિના પહેલા જ બનાવેલો કોઝવે વરસાદ પહેલા જ તૂટી જતાં ગ્રામજનોમાં રોસની લાગણી ફેલાવા પામી છે અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.