પાટડીના પેટ્રોલપંપ ઉપર ડીઝલની ખરીદી અર્થે આજે ખેડૂતોની લાંબી કતારો લાગી હતી. રાજ્યના અનેક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ-ડીઝલની અછત જોવા મળી રહી છે. જેથી ખેડૂતો સહિત લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ જતા ખેડૂતો દ્વારા ખેતરમાં વાવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મોટાભાગના ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરતા હોવાથી મોટા પાયે ડીઝલની જરૂર પડે છે. ત્યારે પારડી વિસ્તારમાં ડીઝલ ખૂટ્યાની અફવા ફેલાતા ખેડૂતો પોતાના વાહનો લઈને પેટ્રોલપંપ પર ઉમટી પડ્યા હતા.
પાટડી નગરમાં આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલની આવકમાં ઘટાડો થતા ડીઝલની અછત સર્જાઈ છે તેવી અફવા ફેલાતા ખેડૂતો ડીઝલ ખરીદવા દોડતા થયા હતા. જેથી પેટ્રોલપંપ પર લાંબી કતારો જોવા મળી હતી. ડીઝલની મોટા પ્રમાણે આગોતરી ખરીદી અર્થે ખેડૂતો બેરલો લઇને પેટ્રોલપંપ પર આવી પહોંચ્યા હતા. પાટડીના મોટા ભાગના પેટ્રોલપંપો પર લાંબી કતારો જોવા મળી હતી. જેમાં મોટાભાગે ખેડૂતો જોવા મળ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય ખેડૂતો દ્વારા ખેતરમાં વાવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ટ્રેકટરોમાં ડીઝલના સ્ટોક માટે ખેડૂતો પોતાના વાહન લઈ પેટ્રોલપંપો પર ઉમટી પડ્યા હતા.