સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના વાદીપરામાં રહેતા યુવાનના ઘરે જઇ ચાર શખ્સોએ તારો પતિ કયાં છે ? તેમ કહી યુવાનની પત્નીને લાફાવાળી કરી 15 વર્ષના પુત્રનું અપહરણ કર્યુ હતુ. આ બનાવની મહિલાએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અપહ્યત બાળકને છોડાવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી મોડી સાંજે એક આરોપી ભાવેશ વાળાને ઝડપી લીધો હતો, જ્યારે 3 ફરાર છે. જેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક પાસે આવેલા વાદીપરામાં રહેતા મનીશભાઇ નવીનચંદ્ર રાઠોડ છુટક ડ્રાઇવીંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા સમય અગાઉ તેઓ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા રણજીતસિંહની કાર ચલાવતા હતા.
પરંતુ કોઇ કારણોસર કાર ચલાવવાનું મુકી દીધુ હતુ. ત્યારે ગુરૂવારના રોજ રાત્રે 12 કલાકના અરસામાં જયેન્દ્રસિંહ, મહેશભાઇ ભરવાડ, ભાવેશભાઇ વાળા, અમીનભાઇ સહિતનાઓએ મનીશભાઇના ઘરે જઇ તારો પતિ કયાં છે ? તેમ કહી જાગૃતીબેનને લાફો મારી 15 વર્ષના પુત્ર રોમીલનું અપહરણ કર્યુ હતુ. આ બનાવની જાગૃતિબેને તેમના પતિ મનીશભાઇને જાણ કરતા તેઓએ તુરંત ધસી આવી પુત્રની શોધખોળ કરી પોલીસને આ બનાવની જાણ કરી હતી. જ્યારે પુત્ર જયેન્દ્રસિંહના ફલેટમાં હોવાની જાણ થતા પરિવારે સીટી પીઆઇ કે.એચ.ત્રિવેદી, પીએસઆઇ એમ.ટી.વાળંદ સાથે ધસી જઇ પુત્રને મુકત કરાવ્યો હતો.
ફ્લેટ પર લઇ જઇ માર માર્યો
કારમાં આવેલા ચાર શખ્સો મને કારમાં બળજબરીથી લઇ ગયા હતા. જેમાં કારમાં ધોલ ધપાટ કરીને ફલેટમાં લઇ ગયા હતા. ફલેટમાં લઇ જવાયા બાદ મને પટ્ટા વડે પણ માર મારવામાં આવ્યો હતો. – રોમીલ, અપહ્ત બાળક
સામાન્ય બાબતમાં અપહરણ કરાયું
થોડા દિવસ અગાઉ જયેન્દ્રસિંહ, મનીશભાઇ સહિતના મિત્રો એક છોકરી સાથે નાસ્તો કરવા ગયા હતા. જેની વાત ઘરે આવી મનીશભાઇએ પત્ની જાગૃતીબેનન કરી હતી. આ વાત જાગૃતીબેને જયેન્દ્રસિંહના પત્ની પૂનમબાને કરતા જયેન્દ્રસિંહે પિત્તો ગુમાવી અપહરણ કર્યુ હોવાનું કારણ હાલ બહાર આવી રહ્યુ છે.
મુખ્ય અપહરણકારની પત્નીએ ફોન કરી બાળકની માતાને જાણ કરી
બાળકનું અપહરણ થયા બાદ મનીશભાઇ અને તેમના પત્ની જાગૃતિબેન બાળકની શોધખોળ કરતા હતા. આ દરમિયાન મુખ્ય અપહરણકાર જયુભાના પત્ની પૂનમબાએ જ ફોન કરીને કહ્યુ કે તમારા બાળકનું મારા પતિ અપહરણ કરી ફલેટ પર લઇ આવ્યા છે. હાલ મેં બાળકને સુવડાવી દીધો છે.