હળવદના માનસર ગામ નજીક આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે ટ્રિપલ સવારી બાઈકને હડફેટે લેતાં ફંગોળાઈ જવાથી એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકમાં બેઠેલા અન્ય બે યુવાનને ઇજા થતાં આ બંન્નેને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના માનસર ગામે રહેતા રાજુભાઇ નામના યુવાન પોતાની દુકાનના કામ માટે બે શ્રમિકોને બોલાવવા ગયા હતા. બાદમાં આ ત્રણેય યુવાનો એક જ બાઈક ઉપર પરત માનસર તરફ આવી રહ્યા હતા. ત્યારે કાળમુખા ટ્રક ચાલકે આ ટ્રિપલ સવારી બાઇકને જોરદાર ઠોકર મારતાં ત્રણેય બાઈક સાથે ઢસડાયા બાદ એક યુવાનને ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
પ્રાથમિક તપાસમાં આ મૃતક યુવાન અલ્પેશ આદિવાસી (ઉ. વર્ષ આશરે 23) હોવાનું જાણવા મળ્યું છે. આ મૃતકને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં અને બંન્ને ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે મોરબી ખસેડાયા છે. જો કે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક ત્યાં મૂકીને ભાગી ગયો હતો. આ અકસ્માતના બનાવ અંગે હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.