સુરેન્દ્રનગર: વઢવાણ-સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર મારૂતિપાર્ક સર્કલ તેમજ તેની આજુબાજુ 20 જેટલી સોસાયટીઓ, ખાનગી સ્કૂલો હોવા છતાં અહીંયા સીસી ટીવી કેમેરાની સુવિધા નથી. આ ઉપરાંત આ સ્થળે ચોરી,મારામારી તેમજ આવારા તત્વોને પણ દિવસે દિવસે ત્રાસ વધી રહ્યો છે. આથી વઢવાણ પાલિકાના મહિલા સદસ્યાએ પોલીસવડાને રજૂઆત કરી હતી.
રાજય સરકાર દ્વારા વર્તમાન સમયે સેફ એન્ડ સિકયોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત સુરેન્દ્રનગર-વઢવાણના મુખ્ય રસ્તાઓ સહિતના 51 સ્થળો ઉપર અંદાજે 200થી વધુ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન હાથ ધરાયુ છે. જેમાં હાલ 40 જેટલા કેમેરાની શહેરમાં બાજ નજર છે. જ્યારે બાકીના સ્થળોએ કેમેરા મૂકવાની સાથે ચાલુ કરવાનો ધમધમાટ ચાલે છે. પરંતુ વઢવાણ-સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આ સુવિધા ન હોવાથી વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં. 1ના સદસ્યા તેમજ લાઇટિંગ વિભાગના ચેરમેન પારૂલબેન ડી.ચૌહાણે લેખિતમાં જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી.
80 ફુટ રોડ મારૂતિપાર્ક સર્કલ મેન રોડ હોવાથી તેમજ આ વિસ્તારમાં ખાનગી સ્કૂલો હોવાથી દિવસ રાત લોકો તેમજ વાહનોની અવરજવર રહે છે. પરંતુ અહીંયા સીસીટીવી કેમેરા ન હોવાથી આવારા તત્વો, ચોરી તેમજ અસામાજિક પ્રવૃતિનો લોકોને ભય રહે છે. બીજી તરફ 60 ફૂટ રોડ ચોકડી જેવા વિસ્તારોમાં આ સુવિધા છે પરંતુ અહીંયા કેમેરા નથી. આથી મારૂતિપાર્ક સર્કલ મુખ્ય રસ્તા પર તેમજ મારૂતિપાર્કથી અંદર ડો.બાબાસાહેબની પ્રતિમા હોવાથી ત્યાં ચોકડી પર કેમેરા લગાવવા માંગ કરી હતી.