સુરેન્દ્રનગરની મહિલાનું કોંગો ફીવરમાં મોત ,તંત્રમાં દોડધામ

0
0

(અહેવાલ : રવિકુમાર કાયસ્થ)

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ચોમસા દરમિયાન રોગચાળાએ ભરડો લીધો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામના 75 વર્ષીય સુખીબેન કરશનભાઈ મેણીયાને કોંગો ફિવર થતાં 20 ઓગસ્ટે તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ રવિવારે રાત્રે 11:30 કલાકે તેમનું મોત થતા હોસ્પિટલ સહિત સમગ્ર ગુજરાતનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને રાજ્યમાં સૌપ્રથમ કોંગો ફિવરથી મોતનો કિસ્સો સામે આવતા રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. આ અંગે CN24NEWS એ એક એક્સક્લુઝિવ રિપોર્ટ તૈયાર કર્યો છે.

પૂણેની લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો
સૌ પહેલા શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે પૂણેની વાઈરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે.

સારવાર કરનારા તમામ પેરા મેડિકલ સ્ટાફની પણ સારવાર ચાલુ
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડૉ.ભાવિન સોલંકીએ CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુખીબેન મેણીયા નામની મહિલાનું કોંગો ફિવરથી મોત થયું હોવાનું પોઝિટિવ રિપોર્ટ આવતા રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. તેઓની સારવાર કરનારા તમામ પેરા મેડિકલ સ્ટાફની પણ સારવાર કરવામાં આવી રહી છે. જે ગામ(જામડી)માં તેઓ રહેતા હતા ત્યાં પણ આ મામલે જાણ કરી સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી છે.

6 દિવસ પહેલા એક મહિલાનું શંકાસ્પદ તાવથી મોત થયું હતું
20 ઓગસ્ટે લીંબડી તાલુકાના જામડી ગામે બે મહિલાઓના શંકાસ્પદ ડેંગ્યુના કારણે મોત નીપજ્યાં હોવાની ચર્ચાને કારણે ચકચાર મચી ગઈ હતી. જ્યારે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બન્ને મહિલાઓના ડેંગ્યુ રિપોર્ટ નેગેટીવ હોવાનું જણાવ્યું હતું. જામડી ગામના સુખીબેન કરશનભાઈ મેણીયા અને લીલાબેન વામાભાઈ સિંધવની તબિયત લથડતા બન્નેને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સી.યુ.શાહ હોસ્પિટલમાં 20 ઓગસ્ટે સવારે 7:30 કલાકે સારવાર દરમિયાન લીલાબેન સિંધવનું મૃત્યુ થયું હતું. જ્યારે સુખીબેન મેણીયાને પ્રાથમિક સારવાર આપી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે સુખીબેનનું પણ મોત થયું હતું. જેનો રિપોર્ટ કરાવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે.

કેમ થાય છે કોંગો ફિવર અને શું હોય છે લક્ષણો

કોંગો ફીવર ટીક દ્વારા (પ્રાણીઓને ચોંટતી જીવાત) ફેલાય છે. જેમાં તાવ આવવો, માથું, શરીર દુખવું, ઝાડા ઉલટી થવા જેવા તેના લક્ષણો છે. આવા લક્ષણો દેખાય તો તુરંત જ હોસ્પિટલ કે સારવાર કેન્દ્રનો સંપર્ક સાધવો જોઈએ. આ પ્રકારના રોગોથી બચવા માટે બાળકો અને ઓછી રોગ પ્રતિકારક શકિત ધરાવતા લોકોએ ઢોર, કૂતરા અને બિલાડી જેવા પાળેલા પ્રાણીઓના સંપર્કથી દૂર રહેવું જોઈએ.

જ્યારે 25 ઓગસ્ટના રોજ અગાઉથી જ દાખલ 25 વર્ષીય દર્દી પણ કોંગોના શંકાસ્પદ કેસ તરીકે જણાવવામાં આવ્યું હતું. આથી તેઓની સઘન સારવાર શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here