મહેસાણા : સર્જન ડૉ.રાકેશ વ્યાસનું કોરોનાથી નિધન.

0
6

મહેસાણાના સર્જન ડૉ. રાકેશ વ્યાસ કોરોના સામે જીવનનો જંગ હારી ગયા. ફેફસાં સહિત શરીરનાં તમામ અંગોમાં ઇન્ફેક્શન ફેલાઇ જવાથી તબીબોના તમામ પ્રયાસો છતાં બચી ન શક્યા. સારવારના 45 દિવસમાં છેલ્લા 30 દિવસથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રખાયેલા 55 વર્ષીય તબીબનું સોમવારે પરોઢે થયેલા મૃત્યુએ તબીબી આલમમાં શોકનો માહોલ સર્જ્યો છે. તેઓ છેલ્લા 24 વર્ષથી તબીબી ક્ષેત્રે સેવારત હતા.

મહેસાણાના જનરલ સર્જન ડૉ. રાકેશ વ્યાસને કોરોના સંક્રમિત દર્દીની સારવાર દરમિયાન 45 દિવસ પહેલાં ચેપ લાગ્યો હતો. સ્થાનિક તબીબ પાસે સારવાર લઇ શરૂઆતમાં હોમ આઇસોલેટ થયેલા તબીબના ફેફસામાં થયેલી વધુ અસરને કારણે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં 30 દિવસ પહેલાં અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં વેન્ટીલેટર પર રખાયા હતા. જોકે, અહીં છેલ્લા 4 દિવસથી તબિયત વધુ લથડતાં તેમને ઇસીએમઓ પર રખાયા હતા. મેડિકલ એસોસીએશન દ્વારા ખાસ રસ લઇ તેમની સારવાર કરતા તબીબથી માંડી સ્ટાફની અલાયદી વ્યવસ્થા કરાઇ હતી અને શનિવારે તેમના પરિવારને મળ્યા ત્યારે તેમની તબિયતમાં કેટલેક અંશે સુધારો પણ જણાયો હતો. પરંતુ સોમવારે પરોઢે 3.20 કલાકે તેમને દેહ છોડતાં પરિવારજનો સહિત તબીબી આલમમાં શોક છવાઇ ગયો હતો.

ડૉ. દિપક રાજગુરુએ જણાવ્યું કે, તેઓ સુરતથી એમબીબીએસ બાદ એમએસ થઇ લાયન્સ હોસ્પિટલમાં તબીબી કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લા 24 વર્ષથી તબીબી ક્ષેત્રે સેવા આપનાર ડૉ. રાકેશ વ્યાસ દર્દીઓને હંમેશા જીવનમાં હાર નહીં માનવાની શીખ આપી દવા સાથે માનસિક હુંફ આપી સાજા કરતા હતા અને આજે તે કોરોના સામે હારી ગયાનું દુ:ખ કયારેય ભૂલી શકાશે નહીં.

છેલ્લે હ્રદય-ફેફસાં ઉપર લોડ ન પડે તે માટે ઇસીએમઓ મશીન પર રખાયા હતા

અમદાવાદ સિમ્સ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યા મુજબ, ડૉ.રાકેશભાઇ વ્યાસને જ્યારે હોસ્પિટલમાં લવાયા ત્યારે વેન્ટીલેટર પર ગંભીર સ્થિતિમાં જ લવાયા હતા. તે સમયે તેમના ફેફસામાં ઇન્ફેકશન ખૂબ જ હતું. તેમને બચાવવા માટે છેલ્લે હ્રદય અને ફેફસાં ઉપર લોડ ન પડે તે માટે ઇસીએમઓ મશીન પર મુકાયા હતા. છતાં પણ રિકવરી આવી નોહતી અને અંતમાં તો શરીરના તમામ અંગોમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું. તેમને બચાવવા બનતા તમામ પ્રયાસો કરાયા હતા. તેમના માટે અલાયદા સ્ટાફ સહિતની વ્યવસ્થા કરાઇ હતી.

કોરોનામાં દર્દી જેટલો વહેલો દવાખાને પહોંચે તે મહત્વનું છે

દર્દીને 90 ટકા ન્યુમોનિયા હોય પરંતુ દર્દીના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોય તો કોરોનાને મ્હાત આપી શકે છે. દર્દી કેટલો વહેલો દવાખાને પહોંચે છે તે મહત્વનું છે. કોરોનાની સાથે દર્દીની ઉંમર, શરીરમાં અન્ય બીમારીઓનું ફેકટર પણ મહત્વનું કામ કરે છે. – ડૉ. અલ્પેશ પટેલ, ફિજિશિયન

કોરોનાનું જેટલું સંક્રમણ વધારે તેટલી ગંભીરતા વધી જાય છે

દર્દીના ફેફસામાં કોરોનાનો સ્કોર 20 હોય તો તે સાજો થઇ જાય છે, પરંતુ વધુ ઉંમર, અન્ય બીમારી ધરાવતા સંક્રમિતને 20નો સ્કોર ઓક્સિજન સુધી પહોંચાડી દે છે, ક્યારેક તબિયત વધુ ખરાબ કરે છે. સંક્રમણનો સ્કોર 30 ઉપર પહોંચે ત્યારે ઓક્સિજન ફરજિયાત બની જાય છે. – ડૉ. વિષ્ણુ પટેલ, ફિજિશિયન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here