સરપ્રાઇઝ – કોરોનામુક્ત બનેલા તરૂલતાબેનના જન્મદિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલે કેક કાપી ઉજવણી કરી, પછી વિદાય આપી

0
16
તરૂલતાબેનના જન્મદિવસે કેક લાવીને ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સ્ટાફે તેમના જન્મદિવસની ઉજવણી કરી
  • 46 વર્ષમાં પ્રથમ વાર જન્મદિવસ ઉજવ્યોઃ તરુલતાબેન
  • ‘સિવિલ હોસ્પિટલે મને પુનઃ જન્મ આપ્યો’
તરૂલતાબેનના જન્મદિવસે કેક લાવીને ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સ્ટાફે તેમના જન્મદિવસની ઉજવણી કરી

સીએન 24,ગુજરાત

અમદાવાદસિવિલ હોસ્પિટલમાં તરુલતા ભીલ નામના મહિલા દર્દી આજે કોરોનામાંથી મુક્ત થયા છે. સંજોગાવસાત આજે તેમનો જન્મદિવસ પણ છે. તરૂલતાબેનના જન્મદિવસે કેક લાવીને ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સ્ટાફે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. 46 વર્ષમાં પ્રથમ વખત કેક કાપીને ઉજવણી કરી જે તેમના માટે એક યાદગાર પ્રસંગ બની ગયો હતો.

હોસ્પિટલમાં દરેકે દિલથી કાળજી રાખીઃ તરુલતાબેન
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા તરુલતાબેન ભીલ આજે કોરોનામાંથી મુક્ત થતા તેમને રજા આપવામાં આવી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મારા 46મા જન્મદિવસે મને નવજીવન પ્રાપ્ત થયું છે. સિવિલ હોસ્પિટલમાં ૨૪ દિવસની શ્રેષ્ઠ સારવાર મળવાથી આજે હું સાજી થઇ ઘરે જઇ રહી છું. સિવિલ હોસ્પિટલમાં દર્દીની ખૂબ જ સાર-સંભાળ રાખવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા પણ ખૂબ જ સરસ રાખવામાં આવે છે. તેમજ અહીંના ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સફાઈકર્મીએ દિલથી અમારી કાળજી રાખી છે.’

ડોક્ટરોનો હકારાત્મક અભિગમને બિરદાવ્યો
વધુમાં તેઓ જણાવે છે કે, સિવિલના ડોક્ટર્સની મહેનત અને ભગવાનની કૃપાથી તેમને પુનઃજન્મ મળ્યો. તેઓ કહે છે કે, હું ક્યારેય અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ સહિતના સ્ટાફનું ઋણ ચુકવી શકીશ નહીં. હું હૃદયપૂર્વક ડૉક્ટર્સ, સ્ટાફ મિત્રો, સફાઈકર્મીની કર્તવ્યનિષ્ઠાને બિરદાવું છું’ સિવિલ હોસ્પિટલની શ્રેષ્ઠ સારવાર, સવારે નાસ્તો, બપોર અને રાત્રે જમવાનું, જ્યૂસની વ્યવસ્થા, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય તે માટે દવાઓ અને ડોક્ટર્સ-સ્ટાફના હકારાત્મક અભિગમને પણ તેઓએ બિરદાવ્યો હતો.

આઇસીયુમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા
કોવિડ-19 સિવિલના નોડલ ઓફિસરશ્રી ડૉ.કાર્તિકેય પરમાર તરૂલતાબેનના કેસની વિગત આપતા જણાવે છે કે, તરૂલતાબેનને તાવ, ઉધરસ અને શ્વાસ લેવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારબાદ ગંભીર લક્ષણો જણાઇ આવતા તેમને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમના ફેફસામાં સોજાનું પ્રમાણ એટલે કે આઇ.એલ.6નું પ્રમાણ એકાએક વધી જતા તેમને ટોસિલીઝુમેબ ઇન્જેકશન આપવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જે આપ્યા બાદ તરૂલતાબેનની સ્વાસ્થયની સ્થિતિ સામાન્ય બની હતી. છેલ્લા 7-8 દિવસ કોઇપણ લક્ષણો ન જણાતા તેમને રજા આપવામાં આવી છે. આમ સિવિલ હોસ્પિટલે દર્દીઓની શ્રેષ્ઠ સારસંભાળ રાખવાની સાથે-સાથે તેમના મહત્વપૂર્ણ દિવસની પણ નોંધ લઇ તેની ઉજવણીમાં સહભાગી બની સંવેદનશીલતા દર્શાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here