માતર: ચરોતરમાં મગરને કોઇ માણસ પર હુમલો કર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. પરંતુ માતર તાલુકાના ત્રાજ ગામે શુક્રવારની નમતી બપોરે તળાવમાં ન્હાવા પડેલા 65 વર્ષિય વૃદ્ધને અચાનક મગર ખેંચી ગયો હતો. આ દૃશ્ય નિહાળનારા નજીકના વ્યક્તિઓ ચોંકી ગયા હતા અને બૂમાબૂમ કરી બચાવવા દોડ્યાં હતાં. પરંતુ તે પહેલા મગર ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ અંગે તંત્રને જાણ કરતાં વનવિભાગ, મામલતદારની ટીમ સ્થળ પહોંચી હતી. જોકે, બચાવ કામગીરીમાં ફક્ત એક લાકડાની હોડીથી જ કરતાં ગ્રામજનોમાં પણ આશ્ચર્ય જન્મ્યું હતું. મોડે મોડે આધુનિક સાધનો સાથે ટીમ બોલાવી હતી.
કિનારાના આસપાસના લોકો બચાવવા દોડ્યા
ત્રાજ ગામે રહેતા લક્ષ્મણભાઈ પ્રભાતસિંહ ચાવડા (ઉ.વ.65) શુક્રવારની નમતી બપોરે ગામના તળાવમાં ન્હાવા ગયાં હતાં. તેઓ તળાવ કિનારે ઢીંચણસમા પાણીમાં ઉતરી ન્હાતા હતા તે દરમિયાન અચાનક મગર આવ્યો હતો અને તેમને પાણીમાં ખેંચી ગયો હતો. જોકે, અચાનક મગરના હુમલાથી લક્ષ્મણભાઈએ બચાવવા માટે બૂમાબૂમ કરતા તળાવ કિનારાની આસપાસના લોકો બચાવવા દોડ્યા હતા. પરંતુ તે પહેલા મગર તેમને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. આ બાબતે તાત્કાલિક મામલતદારને જાણ કરતાં તેઓ ત્રાજ દોડી આવ્યાં હતાં. આ ઉપરાંત વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી આવી હતી.
10 વર્ષ પહેલાં આ જ સ્થળે મગર કિશોરીને ખેંચી ગયો હતો
ત્રાજ ગામે શુક્રવારે તળાવમાં ન્હાવા પડેલા આધેડ મગર ખેંચી જતા બચાવ કામગીરી ફક્ત એક લાકડાની હોડીથી કરતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. ત્રાજ ગામે દસેક વરસ પહેલા આ જ તળાવનો મગર એક કિશોરીને ખેંચી ગયો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું. ચરોતરના મગર સામાન્ય રીતે માણસ પર હુમલો કરતાં નથી. એક સર્વે મુજબ આણંદ ખેડા જિલ્લાના તળાવો, નહેર સહિતના વિસ્તારોમાં મગરો જોવા મળ્યાં છે. છેલ્લી ગણતરી મુજબ દોઢસોથી બસો મગર હોવાનું મનાય છે.
રેસ્ક્યૂ ટીમ બોલાવાઈ છે, રાત્રે શોધખોળ કરીશું
‘હાલ રેસ્ક્યૂ માટે જિલ્લા કક્ષાએથી ટીમ બોલાવવામાં આવી છે. તે આવતા જ રાત્રે પણ બેટરી અને અન્ય સાધનોથી શોધખોળ હાથ ધરીશું. હાલ 3 ટીમ મંગાવી છે.’ જી.એ. પટેલ, આરએફઓ, માતર.
બૂમ સાંભળતા હું દોડ્યો પણ મગર ખેંચી ગયો
જે સ્થળે ઘટના બની તેની નજીક મારું ઘર છે. લક્ષ્મણભાઈ આવ્યા ત્યારે મને મળીને તળાવમાં ઉતર્યાં હતાં. હું થોડે દૂર પહોંચ્યો ત્યારે અચાનક તેમની બૂમ સંભળાઈ. હું દોડી કિનારે આવ્યો ત્યારે મગર તેને ખેંચી જઇ રહ્યો હતો. મેં સૌને જાણ કરી હતી’- મેપાભાઈ ઓડ.
આસપાસમાં બચ્ચા હોય તો હુમલો કરી શકે છે
‘ચોમાસામાં મગરના બચ્ચા ઇંડામાંથી બહાર આવે છે. આસપાસમાં બચ્ચા હોય તો પણ મગર હુમલો કરી શકે છે. મગર મોટો હોય તો પણ હુમલો કરી શકે છે- ધવલ પટેલ, મે. ટ્રસ્ટી, વિદ્યાનગર નેચર કલબ.
મારા પિતાને ત્રણેક મગર ઘેરી ખેંચી ગયાં હતાં
જાણ થતાં હું દોડીને તળાવ આવ્યો. મારા પિતા ફરતે ત્રણેક મગર હતાં અને તેમના હાથ બહાર હતાં. બાકીનું શરીર મગરના મોંઢામાં હતું. અમે બચાવવા કોશીષ કરી હતી. પરંતુ ત્રણેક મગર હોવાથી અન્ય વ્યક્તિના પણ જીવ જોખમમાં ન મુકાય તે માટે પરત ફર્યાં- મનીષભાઈ ચાવડા.