સાબરકાંઠા : વરસતા વરસાદમાં ચોમેર પાણીથી ઘેરાયેલા……….. પોલીસનો માયાળુ ચહેરો આવ્યો સામે

0
0

હિંમતનગર-વડાલી: સામાન્ય રીતે પોલીસનું નામ પડે એટલે રૂક્ષ વર્તન,કરડાકી,ધમકીભર્યો અવાજ નજર સામે તરવા માંડે પરંતુ સાબરકાંઠા પોલીસનો માયાળુ ચહેરો સામે આવ્યો છે. વડાલી પોલીસે રક્ષાબંધનના દિવસે વરસતા વરસાદમાં ચોમેર પાણીથી ઘેરાયેલા લીમડાના ઝાડ નીચે થરથર કાંપતા 3 થી 5 વર્ષના ચાર બાળકો સહિત પાંચ બાળકોને પોલીસ સ્ટેશન લાવી હેતથીનવડાવી બાળકોને નવા કપડાં પહેરાવી રમકડા આપી તહેવારની ઉજવણી પણ કરાવી હતી.

15 ઓગસ્ટને કારણે એસ.પી.ચૈતન્ય મંડલીક દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગના કડક આદેશો અનુસંધાને વડાલી પીએસઆઇ પી.પી.જાની મોડી સાંજે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રેલ્વે ફાટકથી કેશરગંજ તરફ જતાં કાચા રસ્તા પર એક નાનુ બાળક મળી આવતાં તેને ગાડીમાં બેસાડી પૂછપરછ કરતા તેની સાથે અન્ય ચાર બાળકો હોવાનું જણાવતા તેને સાથે લઈને તેણે બતાવેલી જગ્યાએ જતા ચાર બાળકો ચોમેર પાણીથી ઘેરાયેલા લીમડા નીચે ચાલુ વરસાદમાં બેઠા હતા.પાણીમાં ઉતરી ચારેય બાળકોને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ આવી પોલીસ કર્મીઓએ હેત વરસાવ્યું હતુ.

બાળકોના પોલીસ સ્ટેશનમાં જ વાળ કપાવી નવા કપડાં પહેરાવી તૈયાર કર્યા હતા અને રમકડા ભેટ આપ્યા હતા. સાનુકૂળ હેતભર્યુ વાતાવરણ મળતા બાળકોએ જણાવ્યું કે પોશીના તાલુકાના ખીજડા ગામના છે વડાલી પોલીસે સરપંચનો સંપર્ક કરતા તેણે જણાવ્યું કે બાળકોના પિતાનું મૃત્યુ થયા બાદ માતાએ બીજા લગ્ન કરી લેતા તેમના કાકા દિનેશભાઈ શંકરભાઈ ગમાર સાથે મજૂરી કરવા નીકળ્યા હતા.પોલીસે પાંચેય બાળકો કાજલ કાન્તિભાઇ ગમાર (7), વિશ્વાસ કાન્તિભાઈ ગમાર(5), વિપુલ કાન્તિભાઈ ગમાર(4), પકાભાઇ પ્રવીણભાઈ ગમાર (5)અને કૈલાશ પ્રવીણભાઈ ગમાર(4)ને બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here