રાજ્યસભામાંથી સસ્પેન્ડ સાંસદો આખી રાત ધરણાં પર બેઠા, ચા લઈને પહોંચ્યા ઉપસભાપતિ

0
0

રાજ્યસભામાં અરાજક વ્યવહાર કરનાર સસ્પેન્ડ થયેલા વિપક્ષના 8 સભ્યો સોમવારે રાતે સંસદ પરિસરની બહાર ઘરણા પર બેઠા રહ્યા. રાજ્યસભામાંથી સસ્પેન્ડ તમામ સાંસદ પરિસરમાં અનિશ્ચિત સમય માટે ઘરણા પર બેઠા છે. ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન, આપના નેતા સંજય સિંહ સહિત વિપક્ષના અન્ય સભ્યોની માંગ છે કે તેમના સસ્પેન્શનને ખતમ થાય ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. ત્યારે ઉપસભાપતિ હરિવંશ ધરણા પર બેઠેલ સાંસદો માટે ચા લઈ આવ્યા હતા.

સોમવાર બપોરથી જ ધરણા પર બેઠેલા સાંસદોને મળવા માટે મંગળવારે સવારે ઉપસભાપતિ હરિવંશ પોતે પહોંચ્યા. તેઓ પોતાની સાથે એક થેલી લઈને આવ્યા હતાં જેમાં સાંસદો માટે ચા હતી. હરિવંશે પોતાના હાથે ચા કાઢી અને સાંસદોને પીવડાવી. તેમણે સાંસદો સાથે ઉષ્માભર્યું વર્તન કર્યું. પીએમ મોદીએ પણ આ બદલ તેમને બિરદાવતા કહ્યું કે જે સાંસદોએ થોડા દિવસ પહેલા તેમના પર હુમલો કર્યો આજે તે સાંસદોને મળીને મુલાકાત કરવી અને ચા પીવડાવવી દેખાડે છે કે હરિવંશજી કેટલા વિનમ્ર છે. આ તેમને મહાનતા બતાવે છે.

આ દરમિયાન હરિવંશે સાંસદોને કહ્યું કે, તે વ્યક્તિગત રીતે એટલા માટે આવ્યા છે કારણ કે તે બધા તેમના સહયોગી છે. પરંતુ આ સાંસદોએ કહ્યું કે, વ્યક્તિગત રીતે મળવું હોય તો હરિવંશ સાંસદોના ઘરે આવે અથવા સાંસદોને પોતાના ઘરે બોલાવે. આપ નેતા સંજય સિંહે કહ્યું, “અમે ઉપ સભાપતિ જીને કહ્યું કે, ખેડૂત વિરોધી કાળો કાયદો પરત લો.”

સસ્પેન્ડ થયેલા સાંસદોને સપોર્ટ કરવા માટે સોમવારે રાતે બીજા વિપક્ષોના સાંસદો પણ પહોંચ્યા હતા. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની છે, જ્યારે સંસદના પરિસરમાં જ આખી રાત દેખાવો ચાલ્યા હોય. જોકે વિધાનસભામાં આવું ચાલતું રહે છે.

તો બીજી તરફ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સિંહ પોતે પણ એક દિવસના ઉપવાસ પર ઉતર્યા છે. તેઓ કૃષિ બિલ રાજ્યસભામાં રજુ થયું ત્યારે વિપક્ષના સાંસદોની સદનમાં જે ગેરવર્તણૂંક જોવા મળી તેના વિરોધમાં આ ઉપવાસ રાખશે.

કોંગ્રેસના સાંસદ રિપુન બોરાએ કહ્યું કે ઉપસભાપતિ હરિવંશ અમને મળવા આવ્યાં. એક સાથે તરીકે તેઓ અમને મળવા આવ્યાં. અમારા લોકો માટે ચા લઈને આવ્યાં. રિપુન બોરાએ કહ્યું કે સસ્પેન્શનના વિરોધમાં અમે ધરણા પર બેઠા છીએ. અમે રાતભર અહીં જ હતાં. તેમણે કહ્યું કે સરકાર તરફથી અમને મળવા કોઈ આવ્યું નથી. વિપક્ષના અનેક સાંસદોએ અમારી મુલાકાત કરી. અમારા ધરણા ચાલુ રહેશે.

જણાવી દઇએ, સોમવારે સદનની કાર્યવાહી શરૂ થતા જ રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતાં. આ સાંસદો તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ માકપા અને આમ આદમી પાર્ટીના છે. જેમના પર રવિવારે સંસદની કાર્યવાહીમાં હંગામો મચાવવાનો આરોપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here