ભારતે ત્રણ T-20 સીરિઝની પહેલી મેચમાં કેનબરા ખાતે ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવ્યું. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચને હિપ ઇન્જરી થઇ હતી. બાકીની બંને મેચમાં તે રમશે કે નહીં, તે અંગે સસ્પેન્સ યથાવત છે. આ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી હજી સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T-20 6 ડિસેમ્બરે સિડની ખાતે રમાશે.
ઓફ-સ્પિનર લાયનનો ટીમમાં સમાવેશ થયો
ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઓફ સ્પિનર નેથન લાયનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને સ્ક્વોડમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. ગ્રીન ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં પણ ઓસ્ટ્રેલિયન સ્ક્વોડમાં પણ છે અને રવિવારથી ભારત સામે સિડની ખાતે શરૂ થતી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં પણ રમશે.
જાડેજા T-20 સીરિઝની બહાર, શાર્દુલ ઠાકુર T-20 સ્ક્વોડમાં સામેલ
રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની બાકીની 2 T-20માં નહિ રમી શકે. જાડેજાની જગ્યાએ શાર્દુલ ઠાકુરને વિરાટ બ્રિગેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. માથામાં બોલ વાગ્યો હોવાથી જાડેજાને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે અને શનિવારે સવારે જાડેજાનું જરૂર પડ્યે વધુ સ્કેન કરવામાં આવશે, જેને પગલે તે ઓસ્ટ્રેલિયા સામેની T-20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.