સફાઈકર્મીઓની હડતાળથી શહેરના હાલબેહાલ, ઠેર-ઠેર કચરાના ઢગલા

0
11

શહેરમાં નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા સફાઈકર્મચારીઓને વારસાઈનો હક મળે એવી માગ સાથે ગુરુવારે સવારથી શહેરમાં ફરજ બજાવતા 17000 સફાઈકર્મી હડતાળ પર ઊતરી ગયા હતા તેમજ પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરાતાં તેઓ વધુ આક્રમક બન્યા હતા. છેલ્લા 4 દિવસથી સફાઈકર્મીઓ હડતાળ પર છે, જેને કારણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે. સાફસફાઈ ન થતાં રોડ પર કચરાના ઢગલા થઈ ગયા છે, જેને કારણે વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. કચરામાં વપરાયેલાં માસ્ક તેમજ અન્ય વસ્તુઓ પડેલી હોવાથી વાઈરસનું જોખમ પણ વધી શકે છે. બીજી તરફ, પોતાની માગણી ન સ્વીકારાય ત્યાં સુધી સફાઈકર્મીઓ હડતાળ યથાવત્ રાખવાના છે. હવે એએમસીના સફાઈકર્મીઓ પણ દિલ્હી ખેડૂત આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં છે. સફાઈકર્મીઓ દ્વારા ધરણાં સ્થળે જ રસોડું શરૂ કરવામાં આવ્યું છે, સાથે જ મહિલાઓ દ્વારા શાકભાજી સમારવાની કામગીરી ચાલી રહી છે. અંદાજે 2500 લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પીઆઇ આર.એમ. સરોદેએ સફાઈકર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી, જેને પગલે આક્રમક બનેલા સફાઈકર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો. સફાઈકર્મીઓએ બપોર બાદ ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામેનો રોડ બ્લોક કરી રાખ્યો હતો. DYMC ખરસાણ સામે ફરિયાદ નોંધવા ત્રણ વખત પોલીસ સાથે વાટાઘાટો છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. સફાઈકર્મીઓ પોલીસ ફરિયાદની માગ પર અડગ છે અને ત્રણ કલાકથી રસ્તો રોકી કર્મચારીઓ બેઠા હતા.

પહેલીવાર પોલીસ સ્ટેશનના દરવાજા બંધ

સફાઈકર્મીઓ બોડકદેવ ખાતે આવેલી ઉત્તરપશ્ચિમ ઝોનની ઓફિસે ભેગા થયા હતા. કર્મીઓની ભીડ જામતાં બોડકદેવ ઝોનલ ઓફિસના ગેટ પોલીસે બંધ કરાવી દીધા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી હોય કે સામાન્ય માણસ હોય, કોઈને પણ અંદર જવાની પરમિશન આપવામાં આવી ન હતી. પોલીસે ઝોનલ ઓફિસના ગેટને બંધ કરાવી દેતાં કામકાજ અટકી પડ્યું હતું. ત્યાર બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પણ ગેટ બંધ કરી દેવાતાં નોકર મંડળ દ્વારા આકરા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here