રાજકોટ : મનપાના જનરલ બોર્ડમાં હોબાળો, કોંગી કોર્પોરેટરોને ટીંગાટોળી કરી સભાગૃહ બહાર ધકેલાયા.

0
8

રાજકોટ. રાજકોટ મનપાની જનરલ બોર્ડ પ્રમુખસ્વામી આર્કેડ હોલમાં મળી હતી. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધરાના વિરોધને લઇને કોંગ્રેસના કોર્પોરેટરો ઘોડાગાડીમાં બેસીને આવ્યા હતા. જનરલ બોર્ડ જાણે હોબાળા માટે મળતી હોય અને લોકોના પ્રશ્નોને નેવે મુકતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દર વખતની જેમ આ વખતે પણ લોકોના પ્રશ્નો સાંભળવાને બદલે શાસક અને વિપક્ષના કોર્પોરેટરો આમને સામને આવી એકબીજા પર આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો. વિપક્ષ નેતા વશરામ સાગઠીયા અને બે કોંગી કોર્પોરેટરોની ટીંગાટોળી કરી માર્શલ દ્વારા બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. જ્યારે નાદુરસ્ત સભ્યને હાજરી પૂરાવવા માટે એમ્બ્યુલન્સ મારફત લાવવામાં આવ્યા હતા અને સ્ટ્રેચર સાથે હોલમાં પ્રેવશ કર્યો હતો.

કોંગ્રેસે પ્રમુખસ્વામી હોલમાં ધરણાં પર બેસી રામધૂન બોલાવી 

જનરલ બોર્ડમાં હાલ કોરોનાની માહામારીને લઇને ચર્ચા થનાર હતી પરંતુ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી ધરણાં પર બેસી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન બોલાવી હતી. તેમજ બોર્ડમાં કોર્પોરેટરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. બોર્ડમાં શાસક અને વિપક્ષ બંને લોકોના પ્રશ્નોને વાચા આપવાને બદલે માત્ર વિરોધ કરી સમયનો વેડફાટ કરી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા જાગી હતી. શાસક અને વિપક્ષ પ્રશ્નોત્તરી કરવાના બદલે માત્ર વિરોધ જ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે બોર્ડનો બહિષ્કાર કર્યો હતો. તમામ બહાર નીકળ્યા હતા. ટીંગાટોળી કરી બધાને બહાર કાઢ્યા હતા.

બોર્ડમાં નાદુરસ્ત સભ્યની હાજરી પૂરવા મામલે હોબાળો થયો

જનરલ બોર્ડમાં વિપક્ષના નાદુરસ્ત સભ્યની હાજરી પૂરવા મામલે પણ હોબાળો થયો હતો. નાદુરસ્ત હોય તેઓને સ્ટ્રેચરમાં લાવી હાજરી પૂરાવા ફરમાન કરવામાં આવ્યું હતું. જનરલ બોર્ડમાં તમામ કોર્પોરેટરોને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. જનરલ બોર્ડમાં પોલીસે પ્રવેશ કરતા ફરી કોંગ્રેસ આ મુદ્દો કોર્ટમાં લઇ શકે છે. આ પહેલા પણ જનરલ બોર્ડમાં પોલીસના પ્રવેશને લઇને કોંગ્રેસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. BOMC એક્ટ મુજબ પોલીસ જનરલ બોર્ડમાં પ્રવેશ ન કરી શકે. આ પહેલા જનરલ બોર્ડમાં પોલીસે પ્રવેશ કરતા કોંગ્રેસના નેતાઓએ મુદ્દો ઉઠાવ્યો હતો. ચાલુ જનરલ બોર્ડમાં પોલીસે વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયાની અટક કરી હતી.