કોરોના વાઇરસ : રાજકોટમાં 19 વર્ષીય યુવકને અને જામખંભાળિયામાં એક વ્યક્તિને કોરોના શંકાસ્પદ, જામનગરમાં તબીબને સ્વાઇનફ્લૂ પોઝિટીવ

0
41
  • અલંગમાં 100 બેડની ક્વોરન્ટાઇન હોસ્પિટલ બનાવવાની કવાયત તેજ
  • 7 દેશોમાંથી 13મી માર્ચ પછીના શિપના તમામ ક્રૂ ક્વોરન્ટાઇન પર લેવાશે
  • રાજકોટ જેલના કેદીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજરી કે કાનૂની કાર્યવાહી કરાશે
  • રાજકોટ શહેર-જિલ્લાની 1947 શાળામાં શિક્ષણકાર્ય બંધ, ખાનગી શાળામાં ટેકનોલોજીથી અભ્યાસ કરાવાશે

રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ઇંગ્લેન્ડના નોટિંગહામ શહેરથી પરત ફરેલા 19 વર્ષીય યુવકને કોરોના વાઇરસ શંકાસ્પદ જણાયો હતો. આથી નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે યુવાનનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે યુવકની અંદર પોઝિટિવ કોરોના વાયરસના લક્ષણો છે કે કેમ? જામખંભાળિયામાં પણ કોરોના વાઇરસનો શંકાસ્પદ દર્દી આવ્યો છે. તેને આઇસોલેશન વોર્ડમાં રખાયો છે. બીજી તરફ જામનગર જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબને સ્વાઇન ફ્લૂ પોઝિટીવ આવ્યો છે. તેમજ પોરબંદરના માધવપુર ઘેડમાં વર્ષોથી યોજાતો 5 દિવસીય મેળો રદ કરવામાં આવ્યો છે. રાજકોટ જેલના કેદીઓને વીડિયો કોન્ફરન્સ મારફત કોર્ટમાં હાજરી કે કાનૂની કાર્યવાહી માટેના પ્રયાસો હાથ ધરાયા છે. માસ્કની વધુ જરૂર ઉભી થશે તો કેદીઓ પાસે માસ્ક બનાવડાવવામાં આવશે.

વિદેશથી 271 ભારતીયો રાજકોટ જિલ્લામાં આવ્યા છે

રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરીની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, વિદેશથી 271 ભારતીયો રાજકોટ જિલ્લામાં આવ્યા છે. તમામને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. 14 દિવસનો સમયગાળો પૂર્ણ થતા તેમને સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. બે વ્યક્તિઓમાં હાલ કોરોના વાઇરસ શંકાસ્પદ જણાયો છે. 19 વર્ષીય યુવાન ઇંગ્લેન્ડથી પરત ફર્યો છે. 69 વર્ષીય વૃદ્ધામાં પણ લક્ષણો જણાયા છે. બંનેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. સાંજ સુધીમાં બનેનો રિપોર્ટ આવશે. અત્યાર સુધીમાં 5 વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે. તમામ વ્યક્તિઓના રિપોર્ટ હજુ સુધી નેગેટિવ આવ્યા છે.

કોરોના વાઇરસને પગલે શહેરમાં કલાસીસો બંધ રાખવા પર ચેકિંગ ઝુંબેશ

સરકાર દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે તમામ સ્કૂલ, કોલેજો અને ક્લાસીસો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પુષ્કરધામ રોડ, યુનિ. રોડ અને કાલાવડ રોડ પર 15 જેટલા ક્લાસીસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે પૈકી બે ક્લાસીસ ચાલુ હતા જે બંધ કરાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવેલ છે. તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

પાંચ દિવસીય યોજાતા માધવપુરના મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે

પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ખાતે વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગે 5 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા આ લોકમેળાની મોજ માણવા માટે માધવપુર સહિત આસપાસના ગ્રામ્ય પંથક અને રાજ્યભરમાં માનવ મહેરામણ ઉમટી પડતું હતું. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી આ મેળાને રાષ્ટ્રીયકક્ષાના મેળામાં રૂપાંતરીત કરી અહીં દેશભરના અલગ અલગ રાજ્યોના પ્રતિનીધિઓને આમંત્રીત કરી લોકમેળાને રાષ્ટ્રીય ફલક લઇ જવામાં આવ્યો હતો. માધવપુર ગામ ખાતે યોજાતા લોકમેળામાં અલગ અલગ રાજ્યોની વિભીન્ન ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તૂત કરવામાં આવતા હતા. પરંતુ કોરોના વાઇરસની દહેશત વચ્ચે આ મેળો રદ કરવામાં આવ્યો છે.

જહાજોના ક્રૂ મેમ્બરોને ક્વોરન્ટાઇન પીરીયડમાં રાખવા માટે 100 બેડની હોસ્પિટલ અલંગમાં બનાવાશે

સમગ્ર વિશ્વને ચિંતામાં ગરકાવ કરનાર પ્રાણઘાતક કોરોના વાઇરસ અંગે સંબંધિત સરકારી વિભાગો, અધિકારીઓ સતત મીટિંગોનો દોર ચલાવી રહ્યા છે. અલંગમાં ભંગાવા આવતા જહાજોના ક્રૂ મેમ્બરોને ક્વોરન્ટાઇન પીરીયડમાં રાખવા માટે 100 બેડની હોસ્પિટલ અલંગમાં બનાવવા માટેની કવાયત તેજ બનાવવામાં આવી છે. સોમવારે ફોરેન રજીસ્ટ્રેશન ઓફિસર અને ભાવનગર જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ, કસ્ટમ્સ, સરકારી હોસ્પિટલ વિભાગ, હેલ્થ વિભાગ, વિવિધ સરકારી એજન્સીઓ, અલંગ શિપબ્રેકિંગ એસો., શિપિંગ એજન્ટોની મીટિંગ મળી ગઇ હતી. જેમાં સરકાર દ્વારા કોરોના અંગે વખતો-વખત રજૂ કરવામાં આવતા પરિપત્રોનો સ્પષ્ટ અમલ કરાવવા જાણ કરવામાં આવી હતી. શક્ય હોય ત્યાં સુધી રીસ્ટ્રીક્ટેડ 7 દેશોમાંથી અને અંતિમ પોર્ટ હોય તેવા જહાજોની ખરીદી હાલ તુરંત મોડી કરવા જાણ કરી હતી.જહાજ પર ક્રૂની તબીબી ચકાસણી માટે જતા મેડિકલ સ્ટાફને મધદરિયે શિપ પર ચડવા-ઉતરવાની 1 દિવસની તાલીમ આપવા પોર્ટ ઓફિસરને જણાવવામાં આવ્યું હતું. પરપ્રાંતીય મજૂરો પર પણ તબીબી ધ્યાન રાખવા જણાવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here