કોરોના વાઈરસ : વુહાનમાં ન્યુમોનિયા વધતા જ તાઈવાને એલર્ટ થઈને ટેસ્ટ શરૂ કરી દીધા હતા

0
8
 • અત્યાર સુધી 1,49,596 લોકો ચેપગ્રસ્ત, 5,604 લોકોનાં મોત, બચાવકાર્ય ચાલુ 
 • માસ્કની નિકાસ રોકાઈ, પરિણામે અત્યાર સુધી ફક્ત 50 કેસ જ સામે આવ્યા
 • દુનિયા: ઈક્વાડોરમાં પહેલું મોત, ઈટાલીમાં પાર્કમાં જવા પર પ્રતિબંધ, સાઉદીમાં ફ્લાઈટો રદ 
 • દેશભરના નિષ્ણાતોને કામે લગાડ્યા, પહેલો કેસ આવતા જ 124 એક્શન ટીમ તહેનાત કરી 

તાઈપેઃ ચીનના પાડોશી દેશ તાઈવાને કોરોના વાઈરસથી બચવા માટે ઉઠાવેલાં પગલાં પરથી આખી દુનિયા બોધપાઠ લઈ શકે છે. ચીનના વુહાનથી કોરોના વાઈરસ ફેલાયો હતો, ત્યારે તાઈવાને જોયું કે તેઓ તેનાથી ફક્ત 130 કિ.મી.દૂર છે. આ વાઈરસ ફેલાયો ત્યારે અનેક લોકો ચીનમાં લુનાર ન્યૂ યર મનાવીને તાઈવાન પરત ફર્યા હતા. એ જ ગાળામાં રોજેરોજ ચીનથી બે હજાર પ્રવાસી તાઈવાન આવતા હતા. આમ છતાં, તાઈવાનમાં અત્યાર સુધી ફક્ત 50 કેસ સામે આવ્યા છે. તાઈ‌વાનની વસતી 2.30 કરોડ છે.

આ ઉપાયોથી સફળ થયા

 1. ચીને 31 ડિસેમ્બરે પહેલીવાર ડબ્લ્યુએચઓને સૂચના આપી કે વુહાનમાં અનેક લોકો ન્યુમોનિયાથી પીડાય છે. એ દિવસે તાઈવાને પોતાના એરપોર્ટ પર ચીનથી આવતા પ્રવાસીનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું. અહીંના એરપોર્ટ પર 2003માં સાર્સ ફેલાયા પછી તાપમાન મોનિટર સિસ્ટમ પણ લગાવી દેવાઈ હતી. આ સિસ્ટમ તાવ અને વાઈરસની તપાસ કરે છે. સાર્સથી થયેલાં 73 મોત પછી તાઈવાને આ બોધપાઠ લીધો હતો.
 2. 12 જાન્યુઆરીએ સમગ્ર તાઈવાનમાં તપાસ માટે નિષ્ણાતો તહેનાત કરી દેવાયા. તમામ હોસ્પિટલોમાં ચેપગ્રસ્તોની તપાસ અને તેમનો રિપોર્ટ ઝડપથી તૈયાર કરવા ટીમ બનાવાઈ. આ સાથે શંકાસ્પદોને જુદા રાખવાનું શરૂ કર્યું.
 3. તાઈવાનમાં પહેલો કેસ 21મી જાન્યુઆરીએ નોંધાયો. ત્યાર પછી 124 એક્શન ટીમે દેશભરમાં મોરચો સંભાળ્યો. તાઈવાને 26 જાન્યુઆરીએ ચીનથી આ‌વતા પ્રવાસીઓ પર રોક લગાવી દીધી. વુહાનથી આવતા એ પ્રવાસીઓ પર રૂ. 70 હજારનો દંડ લાગુ કરાયો જે તાવ હોવા છતાં ક્લબોમાં ગયા હતા.
 4. માસ્કની નિકાસ પર રોક. રેશન સિસ્ટમ લાગુ કરીને લોકોને ઓછી કિંમતે ભોજન પૂરું પાડ્યું.
 5. ટેલિવિઝન અને રેડિયો ચેનલોને નિર્દેશ આપ્યા કે તેઓ એક-એક કલાકે લોકોને કોરોના વાઈરસથી બચવાના સંદેશ આપે. તેની અસર એ થઈ કે આશરે 95% લોકો ઘરમાં જ બાળકોનું તાપમાન માપવા જાગૃત થયા.

દાવો: લક્ષણ દેખાય એ પહેલાં જ વાઈરસ ફેલાય છે

યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિજ્ઞાનીઓની એક ટીમના અભ્યાસમાં દાવો કરાયો છે કે આ વાઈરસ લક્ષણો બતાવે એ પહેલાં જ ફેલાય છે. આ ટીમના સભ્ય લોરેન એન્સેલ મેયર્સે કહ્યું કે, વ્યક્તિથી વ્યક્તિમાં ચેપ ફેલાવામાં એક સપ્તાહથી ઓછો સમય લાગે છે. આશરે 10% દર્દીઓમાં આ ચેપ વાઈરસથી પ્રભાવિત એવા વ્યક્તિથી ફેલાયો, જેમાં પ્રાથમિક લક્ષણ દેખાયાં જ ન હતાં. વાઈરસની ગતિ બે વાત પર નિર્ભર છે. એક, વ્યક્તિ અન્ય કેટલાને ચેપ લગાડે છે તે અને બીજું, અન્ય વ્યક્તિમાં વાઈરસ ફેલાવામાં કેટલો સમય લાગે છે તે. બીજી સ્થિતિની તીવ્રતા વધશે તો વાઈરસનો પ્રકોપ વધશે.

ખુલાસો: યુએસમાં ફ્લૂ, 4 મહિનામાં 20 હજાર મોત

 1. અમેરિકન સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના પ્રમુખ રોબર્ટ રેડફિલ્ડે કહ્યું કે અમેરિકામાં ગયા વર્ષે નવેમ્બરથી અત્યાર સુધી આશરે 3.4 કરોડ લોકો ફ્લૂથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3.5 લાખ દર્દીને હોસ્પિટલમાં સારવાર અપાઈ છે, જેમાંના 20 હજારનાં મોત ફ્લૂથી થયાં છે.
 2. બીજી તરફ, અમેરિકન સંસદે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં કોરોના વાઈરસને લઈને એક બિલ પસાર કર્યું છે. તેના પ્રમાણે કોરોના વાઈરસથી પ્રભાવિત દર્દી રજા લે, તો તેનો પગાર નહીં કાપવામાં આવે. આવતા અઠવાડિયે આ બિલ સંસદના ઉપલા ગૃહ સેનેટમાં પણ રજૂ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here