ફિલ્મસિટી પર રાજકારણ : ઉદ્ધવે કહ્યું- હિંમ્મત હોય તો ઈન્ડસ્ટ્રીને લઈ જઈને બતાવો : યોગીએ કહ્યું……….

0
0

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈની મુલાકાતે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં તેમણે બુધવારે લખનઉ નગર નિગમના બોન્ડ લોન્ચ કર્યા છે. તે પછી યોગી ઘણી બોલિવુડ હસ્તીઓને મળશે. યોગીના આ પ્રવાસ દરમિયાન વિવાદ પણ શરૂ થઈ ગયો છે. યુપીમાં ફિલ્મ સિટી બનાવવાના મુદ્દા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- સ્પર્ધા સારી વાત છે, જોકે કોઈની ધમકી ચાલશે નહિ. યોગીએ તેના જવાબમાં કહ્યું અમે કઈ જ લઈ જઈ રહ્યાં નથી, મુંબઈની ફિલ્મ સિટી અહીં જ રહેશે. યુપીમાં ત્યાંના માહોલ અને જરૂરિયાતો મુજબ નવી ફિલ્મ સિટી બનાવવામાં આવી રહી છે.

યોગીની પ્રથમ મુલાકાત સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે થઈ

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલ મુંબઈના પ્રવાસે છે. યોગીની મુંબઈ પહોંચ્યા પછી પ્રથમ મુલાકાત બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે થઈ છે. બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુંબઈની ટ્રાઈડન્ટ હોટલમાં મુલાકાત કરી છે. સીએમ તેમની મુંબઈ મુલાકાત દરમિયાન ટ્રાઈડેન્ટ હોટલમાં જ રહ્યાં છે. યોગી સરકાર યુપીમાં ફિલ્મ સિટીના પ્લાનિંગ પર કામ કરી રહી છે. તેના માટે તેમણે પહેલા બોલિવુડની તમામ હસ્તીઓને પહેલા લખનઉ અને નોઈડા આમંત્રિત કર્યા હતા. યોગીની મુંબઈ મુલાકાત દરમિયાન શિવસેનાના MP સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું કે પ્રયત્નો છતા મુંબઈની ફિલ્મ સિટીને બીજે ક્યાંક ખસેડવી સહેલી નથી. આ વખતે સીએમ યોગી આદિત્યનાથ મુંબઈ પહોંચ્યા છે.

સપ્ટેમ્બર મહિનામાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરાઈ

એક દિવસ પહેલા સાહેબ બીવી અને ગેંગસ્ટર અને સરકાર-3 જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂકેલા મિત્રાએ જણાવ્યું હતું કે તેમને 2 ડિસેમ્બરે થનારી બેઠક માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથે સપ્ટેમ્બર મહિનામાં ઉત્તરપ્રદેશના નોઈડામાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી અને ફિલ્મ જગતને અહીં ફિલ્મ નિર્માણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 18 સપ્ટેમ્બર 2020ના રોજ કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં દેશને એક સારી ફિલ્મ સિટીની આવશ્યકતા છે. રાજ્ય આ જવાબદારી લેવા તૈયાર છે અને એક સારી ફિલ્મ સિટી બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ફિલ્મ સિટી માટે નોઈડા, ગ્રેટર નોઈડા અને યમુના એક્સપ્રેસવે ક્ષેત્ર સારુ હશે.

રાજ્યના કલાકારોને રોજગારી પ્રાપ્ત થશેઃ ઉતરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી

આ પહેલા ઉતરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ 8 નવેમ્બર 2020ના રોજ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષના લખનઉ કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન કહ્યું હતું કે રાજ્ય સરકાર પ્રસ્તાવિત ફિલ્મ સિટી પર કટિબદ્ધતાથી કામ કરી રહી છે અને રાજ્યને મુંબઈથી મોટી ફિલ્મ સિટી મળવા જઈ રહી છે. ઉતરપ્રદેશમાં નોઈડામાં ફિલ્મ સિટી બની જવાથી રાજ્યના કલાકારોને રોજગારી પ્રાપ્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here