સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરવા માટે લાંચ લેવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે ગાંધીનગર તાલુકાના માધવગઢ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા પેઢીનામુ કરી આપવા માટે બે લાખ રૃપિયાની માંગણી કરી હતી અને ૫૦ હજારની લાંચ લેતા ગાંધીનગર એસીબી દ્વારા ફિલ્મી ઢબે ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ તેની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલ સરકારમાં કોઈપણ કામ કરાવવા માટે નાગરિકોને નાની મોટી રકમની લાંચ આપવી પડતી હોય છે અને ઘણા કિસ્સામાં એસીબી દ્વારા આવા લાંચિયા અધિકારી, કર્મચારીઓને ઝડપી લેવામાં આવતા હોય છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં લાંચ લેવાની આ પ્રવૃત્તિ બંધ થવાનું નામ લેતી નથી ત્યારે ગાંધીનગર તાલુકાના માધવગઢ ગ્રામ પંચાયતના તલાટીને એસીબીએ લાંચ લેતાં ઝડપી પાડયો છે.
જે અંગે મળતી વિગતો પ્રમાણે અરજદારના પત્નીનું નામ વારસાઈ પત્રકમાં દાખલ કરવાનું હોવાથી પેઢીનામુ બનાવવાનું હતું. જ્યારે પંચાયતના તલાટી હઠીસિંહ કાનજીભાઈ સોલંકીનો સંપર્ક કરતા તેમણે પેઢીનામુ તૈયાર કરી આપવા માટે બે લાખ રૃપિયાની માંગણી કરી હતી. જોકે અરજદારને આ રૃપિયા આપવા ના હોવાથી ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના પગલે એસીબીના મદદનીશ નિયામક એ.કે પરમારના સુપરવિઝન હેઠળ એસીબી પીઆઇ એસ.ડી.ચાવડા દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને છાલા ગામમાં જાખોરા બ્રિજ નીચે તલાટી હઠીસિંહ ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતો હતો ત્યારે જ એસીબીની ટીમ ત્રાટકી હતી. જોકે એક્સ આર્મીમેન એવો હઠીસિંહ એસીબીને જોઈને રૃપિયા લઈ ભાગવા લાગ્યો હતો. જેના પગલે પાંચ કિલોમીટર સુધી પીછો કરીને એસીબી દ્વારા તેને ફિલ્મી ઢબે ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે ગુનો દાખલ કરીને હવે રિમાન્ડ મેળવવા માટેની તજવીજ શરૃ કરવામાં આવી છે.પેઢીનામુ કરી આપવા માટે બે લાખની માંગણી કરનાર તલાટીએ ૫૦ હજારમાં સોદો નક્કી કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જો કે ગઈકાલે સવારથી ફરિયાદી રૃપિયા લઈને તલાટીને આપવા માટે ફરતો હતો પરંતુ તે અલગ અલગ સ્થળે બોલાવીને જતો રહેતો હતો. જેના પગલે એસીબીની ટીમ પણ આખો દિવસ પાછળ પાછળ ફરતી હતી આખરે સાંજે છાલા નજીક લાંચ લેતો તલાટી હઠીસિંહને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ તો આ કાર્યવાહીને પગલે લાંચિયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.