Saturday, September 18, 2021
Homeતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : ગુરુચરણ સિંહે અચાનક જ કેમ છોડી...
Array

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : ગુરુચરણ સિંહે અચાનક જ કેમ છોડી દીધી હતી સિરિયલ?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છેલ્લાં 13-13 વર્ષથી ચાહકોના દિલ પર રાજ કરે છે. શો સાથે જોડાયેલા તમામ કેરેક્ટર્સ ચાહકોમાં લોકપ્રિય છે. ગુરુચરણ સિંહ આ શોમાં રોશન સોઢીનું પાત્ર ભજવતો હતો. ગુરુચરણે ગયા વર્ષે આ શો છોડી દીધો હતો. જોકે, તેણે આ શો કેમ છોડ્યો હતો, તે અંગેની કારણ સામે આવ્યું નહોતું. ગુરુચરણે પરિવારને કારણે આ શો છોડ્યો હતો.

ગયા વર્ષે શો છોડ્યો
સિરિયલમાં સોઢીનો રોલ ટીવી એક્ટર ગુરુચરણ સિંહ પ્લે કરતો હતો. ગુરુચરણે વર્ષ 2008થી વર્ષ 2013 સુધી આ સિરિયલમાં કામ કર્યું હતું. જોકે, પછી મેકર્સને ગુરુચરણ સામે વાંધો પડ્યો હતો અને તેને કારણે ગુરુચરણે શો છોડી દીધો હતો. જોકે, તે સમયે ચર્ચા હતી કે ગુરુચરણ સેટ પર મોડો આવતો હતો અને તેના આવા વલણથી મેકર્સે તેને શોમાંથી કાઢી મૂક્યો હતો. ગુરુચરણને સ્થાને લાડ સિંહ માન આવ્યો હતો. અલબત્ત એક વર્ષ બાદ જ ગુરુચરણ પાછો સિરિયલમાં આવી ગયો હતો. ગુરુચરણે 2020માં ફરી એકવાર આ શો છોડી દીધો હતો. તે સમયે તેણે શા માટે આ સિરિયલ છોડી તે અંગે કોઈ કારણ બહાર આવ્યું નહોતું. હાલમાં આ પાત્ર ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ બલવિંદર સિંહ ભજવી રહ્યો છે.

આ કારણે સિરિયલ છોડી હતી
સિરિયલ છોડવા અંગે ગુરુચરણે કહ્યું હતું કે જ્યારે તેણે આ સિરિયલ છોડી ત્યારે વધુ વાત થઈ શકી નહોતી. તે એટલું જ કહેશે કે આ શો ઘણો જ સારો છે. અસિત મોદી તથા તેમની પૂરી ટીમ કમાલની છે. આ શોએ આગવી ઓળખ આપી છે. લોકો આજે પણ તેને સોઢીસાહેબ કહીને બોલાવે છે. તેના પિતાની સર્જરી થઈ હતી અને આ જ કારણે તેણે સતત પિતા સાથે રહેવાનું હતું. આ ઉપરાંત કેટલાક પારિવારિક ઇશ્યૂ પણ હતા અને તેને કારણે તેણે શો છોડવો પડ્યો હતો. જોકે, તેણે આ શોમાં પોતાનું બેસ્ટ આપ્યું છે અને તેને આ શો છોડવાનો કોઈ અફસોસ નથી. તે બે મહિના માટે અમેરિકામાં હતો. અહીંયા નાના બાળકો પણ તેને સોઢી અંકલ કહીને બોલાવતા હતા. અનેક લોકો તેને મળીને કહે છે કે તમે નથી તો મજા નથી આવતી. એવું લાગે છે કે તેની અનેક વર્ષોની મહેનત રંગ લાવી.

હાલમાં જ સવિતા બજાજને મળ્યો હતો
ગુરુચરણ થોડાં સમય પહેલાં જ વરિષ્ઠ એક્ટ્રેસ સવિતા બજાજને મળ્યો હતો. સવિતા બજાજની આર્થિક સ્થિતિ હાલમાં સારી નથી. આજ તક સાથેની વાતચીતમાં ગુરુચરણે કહ્યું હતું કે સવિતાજીની હાલત જોઈને તેને આઘાત લાગ્યો હતો. તેમને મળવા માટે તે ઉત્સુક હતો. મળ્યા બાદ તેને લાગ્યું કે તેમની પાસે ફિલ્મનું અઢળક જ્ઞાન છે. તેમની સાથે વાત કરીને બહુ જ મજા આવી. તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પાસ આઉટ છે. તેઓ 1968ની બેચના છે. તેમણે સત્યજીત રે સાથેની મુલાકાત અંગે પણ વાત કરી હતી. અનેક ગોલ્ડન મોમેન્ટ શૅર કરી હતી. તેમને મળવું એ સૌભાગ્યની વાત છે.

હાલમાં શું કરે છે ગુરુચરણ?
ગુરુચરણે કહ્યું હતું કે તેણે સિરિયલ છોડી તેને સવા વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને તેણે આ દરમિયાન કામ પર નહીં, પરંતુ પોતાના પર ધ્યાન આપ્યું છે. તે આધ્યાત્મિક રીતે આગળ વધ્યો છે, પોતાનામાં રહેલી ખામીઓ શોધી છે અને પોતાની શોધમાં વ્યસ્ત છે. તે પેરેન્ટ્સ માટે કંઈક કરી રહ્યો છે. હાલમાં જ તેણે એક બ્રાન્ડ માટે ડિજિટલ ફિલ્મ શૂટ કરી હતી. આ ફિલ્મમાં શ્રેયસ તલપડે તથા રોહિતાશ ગોડ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments