‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ ઘનશ્યામ નાયકે કહ્યું, એક્ટિંગ કર્યાં વગર હું રહી શકું નહીં

0
25

મુંબઈ. મહારાષ્ટ્ર સરકારે પૂરતી સાવધાની સાથે ટીવી તથા ફિલ્મના શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. જોકે, સરકારે બાળકો તથા 60 વર્ષથી ઉપરના કલાકારોને સેટ પર બોલાવવાની ના પાડી છે. હાલમાં જ સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સ્પોટબોય સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો તેઓ એક્ટિંગ કર્યાં વગર રહી શકશે નહીં. એક્ટિંગ વગર તે જીવી જ શકે નહીં.

સ્પોટબોય સાથેની વાતચીતમાં 75 વર્ષીય ઘનશ્યામ નાયકે કહ્યું હતું કે તેઓ એકદમ સ્વસ્થ છે અને તેઓ આ શો સાથે હજી પણ સંકળાયેલા છે. પ્રોડ્યૂસર્સે તેમને હજી સુધી કંઈ જ કહ્યું નથી. તેઓ આ શો સાથે હંમેશાં જોડાયેલા રહેશે. જ્યારથી સરકારના નિયમો આવ્યા છે ત્યારથી અનેક લોકોએ તેમને મેસેજ કર્યાં હતાં અને કહ્યું હતું કે તેમના વગર શો અધૂરો રહેશે. શોમાં નટુકાકા તો જોઈએ જ.

જો એક્ટિંગ નહીં કરું તો મરી જઈશ

વધુમાં ઘનશ્યામ નાયક કહ્યું હતું કે તે શૂટિંગ માટે તૈયાર છે. જો તે એક્ટિંગ નહીં કરે તો મરી જશે. તે જીવનના અંતિમ સમય સુધી કામ કરવા ઈચ્છે છે. ભગવાનની દયાથી તેઓ એકદમ ઠીક છે અને તેમની સાથે તેમનો ખુશહાલ પરિવાર છે. શૂટિંગ ના કરવાની વાતથી તેઓ ડિપ્રેશન અનુભવ છે. 75 વર્ષ થયા હોવા છતાંય તેઓ કામ કરવા માટે સક્ષમ છે. જો તેમને કાલથી જ કામ કરવાનું કહેવામાં આવે તો તે સમયસર સેટ પર પહોંચી જશે.

શોમાં કામ કરતાં 12 વર્ષ થયા

ઘનશ્યામ નાયકે શો સાથેની વાત કરતાં કહ્યું હતું કે આ શોમાં કામ કરે તેમને 12 વર્ષ પૂરા થશે. તેઓ સિરિયલની આખી ટીમ તથા કેરેક્ટર સાથે એકદમ જોડાઈ ગયા છે. આ શોના ત્રણ હજાર એપિસોડ પૂર્ણ થયા છે.

નિયમોમાં છૂટછાટ મળે

સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીને લઈને ઘનશ્યામ નાયકે કહ્યું હતું કે તે તેમની સાથે શૂટિંગ માટે તૈયાર છે પરંતુ તે સરકારી નિયમની વિરુદ્ધમાં જઈ શકે નહીં. તેઓ સિરિયલમાં સૌથી સીનિયર આર્ટિસ્ટ છે. હાલમાં તો તેમણે બધું જ ભગવાન પર છોડી દીધું છે. તે ભગવાનમાં માને છે અને પ્રાર્થના કરે છે કે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવે.

સેટ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા

ઘનશ્યામ નાયકે વાત પૂરી કરતાં કહ્યું હતું કે સિરિયલે તેમનું જીવન બદલી નાખ્યું અને લોકપ્રિયતા અપાવી છે. આ શોએ તેમને બહુ જ આપ્યું છે. તેઓ લાંબા સમયથી આ સિરિયલમાં કામ કરે છે. તેઓ ઈચ્છે છે કે સેટ પર જ તેઓ અંતિમ શ્વાસ લે.