રાજકોટમાં માત્ર ડિલિવરી કરવાની શરતે ચાની હોટલો ખુલી રાખવા મંજૂરી અપાઇ

0
10

લોકડાઉન-4 અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોન અને નોન-કન્ટેઇનમેન્ટ ઝોનમાં દુકાનો ખુલ્લી રાખવા બાબતમાં જે આદેશ કરવામાં આવ્યા છે તેને અનુસરીને તેમજ જાહેર સ્વાસ્થ્યના હિતમાં આવશ્યકતા અનુસાર જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યા છે, તેમ જણાવી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, શહેરમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ચાની હોટલો ખુલી રાખવા થયેલી રજૂઆત અને લોકલાગણી અને માગણીને નજર સમક્ષ રાખી ચાની હોટલોને માત્ર ચા ની ડિલિવરી કરવાની ખાસ શરતે જ સવારે 8થી બપોરના 4 વાગ્યા સુધી જ ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવે છે.

રાજકોટમાં ચાની હોટલ ખુલશે, થડા નહીં

રાજકોટનાં ચાની હોટલ ખુલી શકશે તેવી મંજૂરી રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલે આપી છે. ફક્ત દુકાનો જ ખોલી શકાશે. ચાના થડા ખોલી શકાશે નહીં. ટોળા એકત્રિત થશે તો બંધ કરાવવામાં આવશે. ગઇકાલે બંધ રાખવાનું કહ્યું હતું. આજે ફેરવી તોળ્યું છે. રોજ રોજ કમિશનર નિર્ણય બદલતા રહે છે.

જયેશ રાદડિયાએ કહ્યું અમદાવાદમાં એપીએલ 1 કાર્ડધારકોને અનાજ વિતરણ શરૂ

રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં એપીએલ 1 કાર્ડધારકોને અનાજ વિતરણ શરૂ કર્યું છે. 17 લાખ પરિવારોને અનાજ વિતરણનો લાભ મળ્યો છે. તુવેર અને ઘઉંની ટેકાના ભાવે પુરવઠા વિભાગ ખરીદી કરી રહ્યું છે. ખેડૂતોના વિરોધ મામલે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, તુવેર, રાયડો અને ઘઉંની સરકારે ખરીદી કરી છે. ખેડૂતોના મામલે કોંગ્રેસે રાજકારણ ન કરવું જોઇએ.

ભરવાડ સમાજના આગેવાનોએ મનપામાં રજૂઆત કરી

રાજકોટમાં ચાના ધંધાર્થીઓવતી ભરવાડ સમાજના આગેવાનોએ રાજકોટ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી. ધંધો શરૂ કરવા માંગ કરી હતી. છેલ્લા બે મહિનાથી ધંધો બંધ હોવાથી આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે તેવું આગેવાનોએ જણાવ્યું હતું.

અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સુચનો જાહેર કર્યા 

રાજ્ય સરકાર દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં દાખલ થવા માટેની ઈ-પાસ સિસ્ટમ રદ કરી હોવાથી લોકો જિલ્લાઓ વચ્ચે પાસ વગર મુસાફરી કરી શકશે. પરંતુ તમામ લોકોએ નિયત ચેકપોસ્ટ ઉપરથી જ પસાર થવાનું રહેશે. અહીં તેમનું મેડિકલ સ્ક્રિનીંગ કે ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ 65થી વધુ ઉંમરના વડીલો, 10 વર્ષથી નીચેના બાળકો, સગર્ભા બહેનો તેમજ ગંભીર બીમારી ધરાવતા લોકોને મેડિકલ ઈમરજન્સી સિવાય બહાર નીકળવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. બે જિલ્લા વચ્ચે અથવા તો જિલ્લાની અંદર 19 કલાકથી 7 કલાક સુધી મેડિકલ ઈમરજન્સી સિવાયની તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ છે. ટુ વ્હીલર પર વાહનચાલક સિવાય બીજો વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાઈવર સહિત 3 વ્યક્તિઓથી વધુ મુસાફરી કરી શકશે નહીં. જાહેર જનતાને આ તમામ સુચનોનું પાલન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.

રાજકોટમાં પાણીના લાઇન તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો

રાજકોટના રેલનગર વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. સવાર સવારમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. 3 કિલોમીટર સુધી પાણીની રેલમછેલ થતાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here