રાજકોટમાં કોરોનામાં ટ્યુશનક્લાસ બંધ થતા શિક્ષકે દોઢ લાખની લોનના હપ્તા માટે શરૂ કરી પાણીપુરીની લારી

0
0

કોરોના કાળ બની એવો ત્રાટક્યો છે કે ભલભલા ધંધાને કોરોનાની આભડછેટ લાગી ગઈ છે. અનેક ધંધાર્થીઓ સેહશરમ મૂકી મૂળ ધંધો સંકેલી કોઈ પણ ધંધો કરી આત્મનિર્ભર બની રહ્યાં છે. રાજકોટના એક ટ્યુશન સંચાલકની વાત કરીએ તો ક્લાસિસમાં આવક ન થતા દોઢ લાખની લોનના હપ્તા માટે પાણીપુરીની લારી શરૂ કરી છે. એટલું જ નહીં સાથી ગરીબ વિદ્યાર્થીને પણ કામે રાખી આત્મનિર્ભર બનાવ્યો છે.

પાંચ વર્ષથી કોચિંગ ક્લાસિસ ચલાવું છુંઃ શિક્ષક

શહેરના કુવાડવા રોડ પરના ટ્યુશન સંચાલક અને કોચિંગ ક્લાસિસ એસોસિએશનના સભ્ય જય કારીયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના હિત માટે સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ વિદ્યાર્થી અભ્યાસ માટે આવતો નથી. M.com બાદ છેલ્લા પાંચ વર્ષથી કોચિંગ ક્લાસિસ ચલાવું છું. 2019માં ક્લાસ શરૂ કર્યા હતા. બે હાથ જોડીને સરકારને વિનંતી છે કે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવે. ઓનલાઈનમાં વિદ્યાર્થીઓને કંઈ સમજાતું નથી. મારા સાથી શિક્ષક મિત્રોને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી તો એ લોકોએ પણ કહ્યું કે, તમારે જરૂર હોય તો કહેજો અમે ફ્રી જ છીએ. મારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાણીપુરી ખાવા આવે છે.

25 હજારના ખર્ચ સામે આવક સાવ શૂન્ય થઈ ગઈ

માર્ચ 2020માં કોરોના લાગુ પડતા ક્લાસિસમાં જોડાયેલા લેક્ચર બેઇઝ કામ કરતા બે શિક્ષકને છૂટા કરવા પડ્યા હતા. આ સિવાય ક્લાસ શરૂ કરવા હોમ ક્રેડિટની 1 લાખની અને મંડળીમાંથી 50 હજારની લોન લીધી હતી. જેનો 7500 રૂપિયા મહિને હપ્તો શરૂ થયો. આવક બંધ અને હપ્તા ચાલુ થતા ફાયનાન્સમાંથી નવી 77,000ની લોન લીધી હતી. 25 હજારના ખર્ચ સામે આવક સાવ શૂન્ય થઈ ગઈ.

કશું વિચાર્યા વગર પાણીપુરીનો ધંધો શરૂ કર્યો, રોજની 500ની વકરો

ટૂંકી મૂડીમાં કંઈક ખાણીપીણીનો ધંધો કરવાનો વિચાર હતો. કશું વિચાર્યા વગર પાણીપુરીનો ધંધો શરૂ કર્યો. ક્લાસિસની બરોબર સામે જ કોઈ શરમ વગર લારી શરૂ કરી દીધી. જેમાં હાલ રોજનો 500 રૂપિયાનો વકરો થાય છે. શરૂઆતમાં બજાર જેવી પાણીપુરી લોકોને આપવી તે માટે શું કરવું તે વિચારને લઈ સોશિયલ મીડિયાનો સહારો લીધો. પાંચ પ્રકારના પાણી બનાવવા માટે અલગ અલગ ફ્લેવરના પાવડર ખરીદી કંઇ નવું આપવાનું શરૂ કર્યુ.

શિક્ષકે 4 હજારના પગારે પોતાના વિદ્યાર્થીને કામે રાખી આર્થિક સહાય પુરી પાડે છે

શિક્ષકે પાણીપુરીનો વ્યવસાય શરૂ કરવા પોતાના જ વિદ્યાર્થીની મદદ કરી. તેને પણ આત્મનિર્ભર બનાવી એક આવક શરૂ કરાવી. ધો.10ની પરીક્ષા આપી ચૂકેલા મોહિન ચૌહાણને કામ આપી એક આર્થિક મદદ કરી. મોહિને જણાવ્યું હતું કે, પિતા મજૂરી કામ કરે છે. આવા સમયમાં ઘર ચલાવવું અને પરિવારને મદદરૂપ થવા આગળ અભ્યાસ કરવો નથી. સર જોડે જ ધંધો કરી કમાણી કરવી છે. હાલ દર મહિને મને 4 હજારનો પગાર મળી રહ્યો છે.

શિક્ષક શિક્ષણનો વ્યવસાય મૂકી અન્ય ધંધા તરફ વળી રહ્યો છે

શિક્ષક શિક્ષણનો વ્યવસાય મૂકી અન્ય ધંધા તરફ વળી રહ્યો છે ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે ફેડરેશન એકેડમી ઓફ ગુજરાત અને કોચિંગ ક્લાસ રાજકોટ જિલ્લાના પ્રમુખ પ્રકાશ કરમચંદાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં લગભગ 500 જેટલા ક્લાસિસ હશે. 250 જેટલા તો રજીસ્ટર મેમ્બર છે. શિક્ષક શિક્ષણનો વ્યવસાય મૂકી અન્ય ધંધા તરફ વળી રહ્યો છે ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે. 10 મહિનાથી ક્લાસિસ બંધ છે, કોઈ જાતની આવક નથી. સરકારને એટલી જ વિનંતી છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓની સંમતિ છે છતાં ક્લાસિસ કેમ શરૂ કરવા દેતા નથી. અન્ય સ્થળે મેદની ભેગી થાય જ છે. મોટેરા સ્ટેડિયમમાં 50 હજારની મેદનીની છૂટ હોય તો અમારી એટલી જ વિનંતી છે કે 2-2 ફૂટના અંતરે 5થી 10 વિદ્યાર્થીઓને બોલાવી ભણતર શરૂ કરવા દ્યો. હાલ નથી બેંકના હપ્તા ભરાતા, નથી પરિવારનું ગુજરાન ચાલતું, ખૂબ જ દયનીય સ્થિતિનું સર્જન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here