વડોદરાઃ વડોદરા શહેરના વાહન ચાલકોને હોર્ન વગાડીને નોઇસ પોલ્યુશનના નામે ખિસ્સા ખાલી માટેની વધુ એક ઝુંબેશ વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, તરસાલી વિસ્તારમાં ફાયરિંગ કરનાર ફરાર પીએસઆઇની ધરપકડ કરીને કાયદો-વ્યવસ્થાની કામગીરી કરવાને બદલે પોલીસ તંત્ર દ્વારા માત્રને માત્ર વડોદરા શહેરના વાહન ચાલકોના ખિસ્સા ખાલી કરવાના નવા નવા કિમિયા શોધવામાં આવી રહ્યા છે.
233 વાહનો પકડીને રૂપિયા 23,300 દંડની વસૂલાત
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે અભિયાન ચાલી રહ્યું છે. જેમાં વધુમાં વધુ ટુ-વ્હીલરના ચાલકો દંડાઇ રહ્યા છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા માર્ગો પર ગેરકાયદેસર પાર્ક કરાતા વાહનો ટોઇંગ કરીને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. હેલ્મેટ ન પહેર્યું હોય, કાર ચાલકે સીટ બેલ્ટ લગાવ્યા વગર કાર ચલાવતા ચાલકોને ઇ-મેમો આપીને દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક પોલીસ તંત્રને બાકી રહી જતું હોય તેમ 40 સ્પીડથી વધુ વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવાનું શરૂ કર્યું. જેમાં લાખ્ખો રૂપિયા વાહન ચાલકો પાસેથી એકઠા કરી લીધા હતા. હવે ટ્રાફિક પોલીસ તંત્ર શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભા રહીને એર હોર્ન, મ્યુઝિકલ હોર્ન લગાવીને પસાર થતાં વાહન ચાલકોને પકડીને દંડ વસૂલ કરવાનું શરૂ કર્યું છે. એક જ દિવસમાં ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા 233 વાહનો પકડીને રૂપિયા 23,300 દંડની વસૂલાત કરી છે.
શહેરની નેતાગીરી ચૂપ બેસી રહી છે
નોંધનીય બાબત એ છે કે, વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા યુવાન ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરનાર પી.એસ.આઇ.ની હજુ સુધી પોલીસ ધરપકડ કરી શક્યું નથી. આવા અનેક ગુનાઓ છે. જે પોલીસ શોધી શકી નથી. તેવા કામો કરવાને બદલે પોલીસ તંત્ર માત્રને માત્ર શહેરના વાહન ચાલકોના યેનકેન પ્રકારે ખિસ્સા હડવા કરવાના કિમિયા અપનાવી રહ્યું છે. ઉલ્લેખનિય બાબત એ છે કે, વડોદરાના વાહન ચાલકો પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનના ઓથા હેઠળ ખિસ્સા હળવા કરી રહ્યું છે. આમ છતાં શહેરની નેતાગીરી ચૂપ બેસી રહી છે. કોંગ્રેસ કહે છે કે, ભાજપાને ખોબેખોબા મત આપનાર ભાજપાના નેતાઓ જો શહેરના વાહન ચાલકો માટે આગળ આવતા ન હોય તો અમે કેવી રીતે આવી શકીએ.