વડોદરા: વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલી અંબે વિદ્યાલય એન્ડ એમ.એસ. હોસ્ટેલના મેનેજમેન્ટ દ્વારા શિક્ષકોને 10 ટકા પગાર વધારો જ આપતા શિક્ષકો અચાનક જ હડતાળ પર ઉતરી ગયા હતા. શિક્ષકોની હડતાળને પગલે વિદ્યાર્થીઓને સ્કૂલમાં મૂકવા માટે આવેલા વાલીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર પડી હતી.
શિક્ષકોએ 20 ટકા પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડી
શિક્ષકોની હડતાળ અંગે અંબે વિદ્યાલય એન્ડ એમ.એસ. હોસ્ટેલ સ્કૂલના સંચાલક મહેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે, સ્કૂલમાં 125 જેટલા શિક્ષકો નોકરી કરે છે. સ્કૂલ દ્વારા પ્રતિ વર્ષે 10 ટકા પગાર વધારો આપવામાં આવે છે. પરંતુ શિક્ષકો દ્વારા આ વખતે 20 ટકા પગાર વધારાની માંગ કરવામાં આવી હતી. જે મેનેજમેન્ટ દ્વારા સ્વીકારવામાં આવી ન હતી. અધુરામાં શિક્ષકોનો જે 10 પગાર વધારા સાથે પગાર આપવામાં આવ્યો હતો. તેમાં નવા નિયમ પ્રમાણે પ્રોવિડન્ડ ફંડ તેમજ ઇતર ફંડ કપાતા શિક્ષકોને પગારમાં કાપ મૂકવામાં આવ્યો હોવાની ગેરસમજ ઉભી થતાં શિક્ષકો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જોકે, મેનેજમેન્ટ દ્વારા શિક્ષકોની 20 ટકા પગાર વધારાની માંગને બદલે 15 ટકા પગાર વધારો આપવાની હૈયાધારણા આપતા હડતાળનો અંત આવ્યો છે.