ટીમ ઈન્ડિયાનો ‘ગબ્બર’ ફરી એક વાર ચર્ચામાં છે. ભલે તે ટીમની બહાર ચાલી રહ્યો છે પરંતુ તેની પર્સનલ લાઈફમાં ચાલી રહેલી ઉથલપાથલ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત છે. ક્રિકેટ બાદ ફિલ્મોમાં પણ પોતાનો દમ દેખાડી ચૂકેલ શિખર ધવન આ વખતે કોઈ ઓન-સ્ક્રીન રોમાંસને કારણે ચર્ચામાં નથી. ન તો તેની સાથે કામ કરનાર કોઈ હિરોઈને ધ્યાન ખેંચ્યું છે, પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ દરમિયાન શિખર ધવન એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર ગરમ છે. લોકો તેની સાથે જોવા મળેલી મહિલાને તેની સાથે જોડી રહ્યા છે. એટલું જ નહીં, લોકો આ મહિલા વિશે જાણવા માટે પણ ખૂબ ઉત્સુક છે.
આ મિસ્ટ્રી ગર્લ આયર્લેન્ડની રહેવાસી સોફી શાઈન છે. હવે શિખર ધવન તેની સાથે માત્ર મેચ જોવા જ નહોતો ગયો પણ તેની સાથે એક લગ્નમાં પણ હાજરી આપી છે. બંને એક સાથે જોવા મળ્યા હતા. શિખર ધવન સોફીની કમર પર હાથ રાખતો દેખાયો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેને જોયા પછી લોકો કહી રહ્યા છે કે બંને પ્રેમમાં છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે શિખર ધવનને બ્લેક અને નેવી બ્લૂ સૂટમાં જોઈ શકો છો. તેની બાજુમાં જ સોફી ઊભી છે. તેણે પ્રી-ડ્રેપ્ડ બેજ સાડી પહેરી હતી. આ દરમિયાન શિખર ધવનનો હાથ તેની કમર પર હતો. પછી તેના બાજુ જોઈને તાળીઓ પાડે છે અને સોફી શરમાઈ જાય છે.
આ વીડિયો જોયા બાદ લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, શિખર ધવન ફરી પ્રેમમાં પડી ગયો છે. આ પોસ્ટ પર એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું કે, ‘જો તમારી પાસે પૈસા છે, તો પછી તમને ભરણપોષણ ચૂકવ્યા પછી પણ પ્રેમથી ડર નથી લાગતો.’ જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘ભાઈને ઈન્ડિયન છોકરીઓમાં ઈન્ટરેસ્ટ નથી’. બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘ભાઈએ લેમ્બોર્ગિની ખરીદવા માટે ‘સેકન્ડ હેન્ડ ઓડી’ વેચી દીધી.’ જ્યારે એક વ્યક્તિએ લખ્યું, ‘ભાઈએ પિન્ક રંગ સીરિયસ લઈ લીધો.’ એક યુઝરે મજાકમાં લખ્યું, ‘પાજી ફરી વિદેશી.’ જ્યારે એક યુઝરે કહ્યું, ‘શાનદાર વાપસી પાજી.’
સોફીએ આ જ લગ્નની ઝલક પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, પરંતુ શિખર ધવન આ તસવીરોમાં નજર નથી આવી રહ્યો. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, આ સોફીના કોઈ મિત્રના લગ્ન છે, જેમાં શિખર ધવન પણ તેની સાથે ગયો હતો. અનેક સુંદર તસવીરો પોસ્ટ કરતા શિખર ધવનની કથિત ગર્લફ્રેન્ડે કેપ્શનમાં લખ્યું, ‘સૌથી સુંદર દુલ્હન મોલી સંધુ અને તેના પતિ હરપ્રીત બરારને અભિનંદન, જેમણે મને ભારત આવી ત્યારે પહેલી વાર પંજાબી બોલતા શીખવ્યું હતું!’ તમને બંનેને જીવનભર સ્વાસ્થ્ય, પ્રેમ અને ખુશી મળે તેવી શુભેચ્છા.’
આ પહેલી વાર નથી જ્યારે શિખર ધવન અને સોફી એક સાથે જોવા મળ્યા હોય. ક્રિકેટ મેચ પહેલા પણ નવેમ્બર 2024માં બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા, જેનાથી તેમના સંબંધોની અફવાઓને હવા મળી હતી. હવે બંને ત્રીજી વખત સાથે જોવા મળ્યા છે અને શિખરના ચાહકો હવે તેની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. સોફી મૂળ આયર્લેન્ડની છે. શિખર ધવન અને સોફી સોશિયલ મીડિયા પર પણ એકબીજાને ફોલો કરે છે. સોફીના 44 હજારથી વધુ ફોલોઅર્સ છે. સોફી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા પણ પહોંચી હતી.