કિશોરીએ મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરતાં માતાએ તેને ઠપકો આપ્યો, કિશોરી ઘર છોડીને જતી રહી

0
3

કોરોનાકાળ દરમિયાન સ્કૂલ-કોલેજો બંધ થતાં શરૂ કરાયેલા ઓનલાઇન એજ્યુકેશન માટે માતાએ 10મા ધોરણની વિદ્યાર્થિનીને મોબાઇલ ફોન આપ્યો હતો. ત્યારબાદ કિશોરીએ મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરતાં માતાએ તેને ઠપકો આપ્યો હતો. જેને પગલે લાગી આવતાં કિશોરી ઘર છોડીને જતી રહી હતી. ચિંતિત બનેલા પરિવારે લક્ષ્મીપુરા પોલીસની મદદ માગતાં પોલીસ અને SHE ટીમ દ્વારા કિશોરીની સઘન શોધખોળ કરવામાં આવી હતી. બીજી તરફ વિદ્યાર્થિનીનો ફોટો વિવિધ પોલીસ સ્ટેશનમાં મોકલાતાં તે રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી.

આજકાલ યુવાનોમાં મોબાઇલ ફોનનું વળગણ વધી રહ્યું છે ત્યારે માતા-પિતા માટે લાલબત્તી ધરતો કિસ્સો સામે આવ્યો હતો. શહેરના ગોત્રીના અમીન પાર્ટી પ્લોટ પાસે 16 વર્ષીય સગીરા માતા અને બહેન સાથે રહે છે. કોરોનાકાળમાં સ્કૂલો બંધ થતાં તેણે મોબાઇલ ફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું હતું. જેને પગલે ધોરણ 10માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીને મોબાઇલ ફોનનું વ્યસન થઈ જતાં અભ્યાસ પછી પણ તે મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરતી હતી.

આ બાબત તેની માતાના ધ્યાને આવતાં વધુ પડતો મોબાઇલ ફોન ન વાપરવા માટે તેને ઠપકો આપ્યો હતો. જેથી લાગી આવતાં કિશોરી ગત 19 જાન્યુઆરીના રોજ ઘર છોડીને ચાલી ગઇ હતી. જેને પગલે ચિંતાતુર થયેલી માતા અને મોટી બહેને તેની શોધખોળ શરૂ કરી હતી.જોકે વિદ્યાર્થિનીનો કોઇ પત્તો ન લાગતાં આખરે આ મામલે લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ બાબતની ગંભીર નોંધ લેતાં નવી બનાવાયેલી “SHE TEAM”ની મદદથી સગીરાને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તંત્રમાં સગીરાનો ફોટો મોકલી શહેરના દરેક પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી.

દરમિયાન બુધવારના રોજ વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી સગીરા મળી આવી હતી. રેલવે પોલીસ દ્વારા મોબાઈલ ફોન પર મળેલા ફોટોના આધારે ખરાઈ કરી લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. લક્ષ્મીપુરા પોલીસે સગીરાનો કબજો મેળવી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ સગીરાનો તેના પરિવારજનો ભેટો કરાવવામાં આવ્યો હતો.