વડોદરા : તાંત્રિક વિધિ કરીને કૌટુંબિક મિલકતના કેસમાં જીત અપાવવાની લાલચ આપી 2 ઠગોએ એક વ્યક્તિ પાસેથી 17.40 લાખ પડાવ્યા

0
7

જમીન-મિલકત, વાસ્તુ, કોર્ટ કેસમાં જીત અને ગ્રહોનું નડતર જેવી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની લાલચ આપીને લોકો સાથે ઠગાઇ કરતા 2 ભેજાબાજ તાંત્રિકોનો વડોદરા શહેર SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ઠગ ભેજાબાજોએ છાણીના એક વ્યક્તિ પાસેથી મિલકતના ઝઘડામાં જીત અપાવવાના નામે રૂપિયા 17.40 લાખ પડાવ્યા હતા.

પોલીસને આરોપીઓ પાસેથી 10 યંત્ર મળ્યા
વડોદરા શહેર SOGના PI એમ.આર. સોલંકીએ જણાવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ અશોક કલ્લાપાનાને બાતમીને આધારે વડોદરામાં વિધિ કરવાના નામે ઠગાઇ કરતા ભાવનગર જિલ્લાના નાના જાદરા ગામના વિનોદ બાબુભાઇ જાની અને બગદાણા ગામના રહેવાસી રવિ બાબુભાઇ જોષીની જેતલપુર નાકા પાસે આવેલા ગરનાળા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓ પાસેથી 10 યંત્ર, સાહિત્ય અને કાર મળીને કુલ 10,10,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

અનુષ્ઠાન અને જાપ માટે 17,40,000 રૂપિયા પડાવ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છાણી જકાતનાકા પાસે રહેતા અરવિંદભાઇ પટેલને કૌટુંબિક મિલકત માટે ઝઘડા ચાલતા હતા. 20 દિવસ પહેલા ભેજાબાજ વિનોદ જાની અને રવિ જોષીએ અરવિંદભાઇ પટેલને મિલકતના કેસમાં જીત અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ, તેના માટે અનુષ્ઠાન અને જાપ કરવા પડશે, તેમ જણાવી 17,40,000 રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ તેઓ આજે વડોદરામાં બીજા એક વ્યક્તિની વિધિ માટે આવતા તેઓ SOGના છટકામાં ઝડપાઇ ગયા હતા.

ઠગોની પૂછપરછમાં હજી ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા
તેઓએ જણાવ્યું કે, આ ઠગોને ઝડપી પાડવા માટે SOG દ્વારા જમીન મિલકતના ચાલતા ઝઘડાનું નિવારણ લાવવા માટે વિધી કરવાના નામે તેઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિનોદ જાની અને રવિ જોષી વિધી માટે પહોંચતા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કેતન હિરૂભાઇ, પોલીસ કોન્સ્ટેબલ અશોક કલ્લાપા, પોલીસ કોન્સ્ટેબલ સંતોષ રામાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ અનુપભાઇ ટેકબહાદૂર અને પોલીસ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહે દબોચી લીધા હતા. ઠગોની વધુ પૂછપરછમાંમાં હજી ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here