વાનખેડે સ્ટેડિયમના દસ ગ્રાઉન્ડ સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ

0
1

વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફના દસ જણા અને છ ઇવેન્ટ મેનેજરો પોઝિટિવ આવતા ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. આમ છતાં પણ બીસીસીઆઇને આશા છે કે તે મહારાષ્ટ્રમાં ૧૦થી ૨૫ એપ્રિલ દરમિયાન મેચોનું આયોજન કરી શકશે.

જો કે મહારાષ્ટ્રમાં કોવિડની સ્થિતિ અંકુશ બહાર જાય તો તેના માટે તેણે હૈદરાબાદ અને ઇન્દોરને સ્ટેન્ડ બાય સ્થળ તરીકે રાખ્યા છે. મુંબઈમાં આઇપીએલની દસ મેચો યોજાવવાની છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે ૪૭,૦૦૦થી પણ વધારે કેસો આવતા મિની લોકડાઉનની સંભાવના વધી ગઈ છે. તેની સાથે વાનખેડે સ્ટેડિયમનો ગ્રાઉન્ડ સ્ટાફ પણ પોઝિટિવ આવ્યો છે. બધાને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના છ જણ પણ કોરોના પોઝિટિવ આવતા તેમને પણ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

વર્તમાન પરિસ્થિતિથી માહિતગાર બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ કપરી છે. જો લોકડાઉન લાદવામાં આવે તો પણ ટીમ બાયોબબલમાં છે. આ ઉપરાંત આ ક્લોઝ ડોર ઇવેન્ટ છે. તેથી અમને વિશ્વાસ છે કે મુંબઈમાં આઇપીએલની ગેમ્સ કાર્યક્રમ મુજબ યોજાશે. દિલ્હી કેપિટલ્સ મુંબઈમાં દસમી એપ્રિલના રોજ ચેન્નઈ સુપરકિંગ્સ સાથે રમવાની છે. આમ છતાં પણ પરિસ્થિતિ હાથમાંથી સરી જાય તો તેના માટે હૈદરાબાદ અને ઇન્દોરને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યા છે.

હાલમાં તો મુબઈમાં કોઈપણ ટીમ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સને વાનખેડેનું એક્સેસ નથી. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સે બ્રેબોર્ન સ્ટેડિયમ અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહ્યા છે. રાજ્યમાં કેસોના ઉછાળાના પગલે બીસીસીઆઇનું મેડિકલ યુનિટ ટેસ્ટિંગ રેટમાં વધારો કરશે.

ગયા વર્ષ સુધી આઇપીએલનું ઇવેન્ટ મેનેજમેન્ટ આઇએમજી કરતુ હતું, આ વખતે બીસીસીઆઇ પોતે કરી રહ્યુ છે. વાનખેડેમાં ચાર ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિગ્સ અને રાજસ્થાન રોયલ્સે તેનો બેઝ બનાવ્યો છે. અધિકારીએ ઉમેર્યુ હતું કે મુંબઈની વિપરીત સ્થિતિ સામે અમારી પાસે પૂરતા પ્રમાણમાં બેક-અપ સ્ટાફ છે, પરંતુ અમે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. આ દરમિયાન ચેન્નાઈની મીડિયા કન્ટેન્ટ ટીમમાં પોઝિટિવ કેસ આવ્યાના અહેવાલ છે, પરંતુ જે વ્યક્તિને પોઝિટિવ આવ્યો છે તે બાયોબબલનો હિસ્સો ન હોવાથી ટીમના પ્રેક્ટિસ સેશન પર કોઈ અસર થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here